1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 ફેબ્રુઆરી 2021 (10:00 IST)

અમદાવાદમાં મેયર પૂર્વ વિસ્તારના તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પશ્ચિમના હશે, ટીપી અને રોડ કમિટીના ચેરમેન પદ માટે લોબિંગ શરુ

અમદાવાદનુ મેયરપદ આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે SC કેટેગરી માટે રિઝર્વ કરાયું છે. જ્યારે બીજી ટર્મમાં જનરલ કેટેગરીમાંથી મહિલાને મેયર બનાવાશે. ભાજપમાં ચૂંટણીના પરિણામ બાદ ‘યોગ્ય’ ઉમેદવારો શોધવાની કવાયત શરુ થઈ ગઈ છે. આ અગાઉ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપે પશ્ચિમના કોર્પોરેટરોને જ મેયરપદ આપ્યુ હતુ. જો કે ભૂતકાળમાં બે વખત પૂર્વ અને મણિનગરના કોર્પોરેટરને મેયર બનાવ્યા હતા. જેથી હવે આ વખતે ભાજપ ફરીથી પૂર્વના કોઈ કોર્પોરેટરને મેયરપદ આપી શકે તેવી ચર્ચાઓ થઈ રહી છે. ભાજપના અન્ય અનુસૂચિત જાતિના ઉમેદવારોમાં નરોડા વોર્ડના રાજેન્દ્ર સોલંકી, ઠક્કરબાપા નગરના કિરીટ પરમાર, હિમાંશુ વાળા, હીરા પરમાર,હેમંત પરમાર, રામોલના સિધ્ધાર્થ પરમાર તથા જોધપુર વોર્ડના અરવિંદ પરમાર પણ દાવેદાર ગણાય છે.
ચાર ટોપના પદ માટે જનરલ કેટેગરીના કોર્પોરેટરોને તક અપાશે
મેયર સિવાયના અન્ય ચાર ટોપના પદ માટે જનરલ કેટેગરીના કોર્પોરેટરોને તક અપાશે. જેમાં ડેપ્યુટી મેયર,સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન,પક્ષના નેતા તથા દંડકનો સમાવેશ થાય છે. જેના માટે જોરદાર લોબીંગ થઈ રહ્યુ છે. કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનનુ પદ સૌથી મહત્વનુ માનવામાં આવે છે. જેમાં ઈસનપુરના ગૌતમ પટેલ તથા ઘાટલોડિયાના જતીન પટેલના નામો ચર્ચામાં છે. જ્યારે ભાજપ પક્ષના નેતા તરીકે થલતેજના હિતેશ બારોટના નામ પર પસંદગી ઉતારી શકાય છે.
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનપદે મહિલાને મૂકવામાં આવે તેવી શક્યતા
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા સ્ટેન્ડીંગ કમિટી, ટાઉન પ્લાનિંગ કમિટી અને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીનું ચેરમેનપદ મેળવવા માટે હોડ લાગી છે. દરેક કોર્પોરેટરો પોતાના ગોડફાધર થકી લોબિંગ કરીરહ્યાં છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં છેલ્લા 15 વર્ષથી કોઇપણ મહિલાને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનપદે મહિલા કોર્પોરેટરને મૂકાઇ નથી. જેથી આ વખતે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનપદે મહિલાને મૂકવામાં આવે તેવી શક્યતા છે. જોકે, આ પહેલાં 2010માં રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેનપદે મહિલા કોર્પોરેટરની નિમણૂંક થઇ હતી પછી તે બાદ સ્ટેન્ડીંગ કમિટી, રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી, ટાઉન પ્લાનિંગ કમિટી કે પછી અન્ય મહત્ત્વની કમિટીમાં મહિલાઓને સ્થાન મળ્યું નથી. આ વખતે આવો પ્રયોગ થાય તેવી ચર્ચા છે.  
AMTSના ચેરમેનપદ માટે લોબિંગ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં સિનિયર કોર્પોરેટરોની ટિકીટ કપાઇ છે પણ હવે કેટલાંક સિનિયર કોર્પોરેટરો AMTS કે પછી સ્કૂલ બોર્ડના ચેરમેનપદ માટે લોબિંગ કરી રહ્યાં છે. ભાજપના મોવડી મંડળ દ્વારા કેટલાંક સિનિયર કોર્પોરેટરોને સંગઠનમાં મૂકાશે તો કેટલાંકને ચેરમેનપદો મળી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને AMTSના ચેરમેન બનવા માટે લાંબી લાઇન લાગી છે.