રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 એપ્રિલ 2021 (16:15 IST)

કથાની પ્રસાદી તરીકે અનાજ અને આરોગ્યલક્ષી વસ્તુઓની કીટ અહિં દરેક લોકોને પહોંચાડવામાં આવે તેવી મારી ઇચ્છા છે - મોરારીબાપુ

ગયા વર્ષે શ્રી વૃંદાવન ધામ-રામપરા અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર (રાજુલા)ના લાભાર્થ 14 થી 16 માર્ચ 2020 સુધી ત્રણ દિવસના કથાગાન બાદ બાપુએ કોરોનાના સંક્રમણમાં ઉછાળો આવતા રાષ્ટ્રીય અભિયાનમાં સહયોગ કરતાં રામકથાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. આજે એક વર્ષ બાદ આ કથાને આગળ વધારતા કથાનાં બાકીના છ દિવસનું કથાગાન ગણતરીના શ્રદ્ધાળુઓની વચ્ચે આજથી તારીખ 20 થી 26 એપ્રિલ, 2021 સુધી કરવામાં આવી રહ્યું છે.
 
કથાની શરૂઆતમાં બાપુએ આ કથાના યજમાન કાંતિભાઇ અને તેમના પરિવારની, બદલાતાં સમય-સંજોગમાં તેમના સદ્ભાવનાપૂર્ણ સહયોગ, સમાયોજન અને સમર્પિતતાની પ્રશંસા કરી. આ જગ્યાની ચારેયબાજુ ચાર ધામ- રાજેન્દ્રદાસજીબાપુનું રાધેશ્યામ ધામ, મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર, પીપાવાવ ધામ, અને ભગતબાપુનુા કાગધામનો ઉલ્લેખ કર્યો. તેમજ કહ્યું કે ચૈત્ર નવરાત્રિના આ દિવસોમાં આ કથા એક અનુષ્ઠાન છે. 
 
કોરોનાના પ્રસારને રોકવા માટે પ્રજાએ સ્વૈચ્છિક લોકડાઉન સ્વીકાર કર્યો છે અને બધા માસ્ક વગેરે સુરક્ષિત સંસાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે. એ જાણીને બાપુએ જનતાને ધન્યવાદ આપતાં જણાવ્યું કે આરોગ્ય યજ્ઞમાં સૌ પોતાનું યોગદાન આપી રહ્યાં છે. બાપુએ પોતાના હ્રદયની પીડા વ્યક્ત કરતા કહ્યું કે કથા હોય છે ત્યાં પ્રસાદ પણ હોય જ છે. પરંતુ કોરોનાના સમયમાં પ્રસાદની પ્રથા બંધ કરવી પડી છે ત્યારે જરૂરીયાત મંદોના ઘેર-ઘેર પ્રસાદી તરીકે અનાજ અને આરોગ્યલક્ષી વસ્તુઓ કીટ તરીકે 9 દિવસ માટે પહોંચે તેવી મારી ઇચ્છા છે. આવતી કાલે રામનવમીનો દિવસ છે બધાં પોતાનાં ઘરમાં જ રામલલ્લાનો ઉત્સવ મનાવે એવો બાપુએ અનુરોધ કર્યો છે. 
 
મહાત્મા ગાંધી આરોગ્ય ધામની શુભ સંકલ્પની પ્રવૃતિઓ એક વર્ષથી નિરંતર ચાલુ છે એમ કહીને બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી. 'માનસ મંદિર' વિષયની સાથે શરૂ થયેલા રામકથાના વિષયને સ્પર્શતા કહ્યું કે આપણો દેશ મંદિરોનો દેશ છે. આપણી પાવન સંસ્કૃતિના પ્રવાહમાં મૂળ સાત મંદિરની પ્રતિષ્ઠા છે- રામ મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર, દુર્ગા મંદિર અને હનુમાન મંદિર,વિષ્ણુ મંદિર, લક્ષ્મી મંદિર. સનાતન ધર્મમાં ગણેશ, સૂર્ય, વિષ્ણુ, શિવ અને પાર્વતી. આ પાંચ દેવોનું સ્મરણ સત્ય મનાય છે. પંચ દેવની પુજાની ચર્ચા કરતા બાપુએ કહ્યું કે ગુરૂ આશ્રિત સાધક માટે ગુરૂ જ ગણપતિ છે, ગુરૂ જ દુર્ગા છે, ગુરૂ જ વિષ્ણુ છે, ગુરૂ જ શિવ છે અને ગુરૂ જ સૂર્ય છે. 
 
ગણપતિ સ્વરૂપ ગુરૂની સુંઢની ચર્ચા કરતા બાપુએ કહ્યું કે ગુરૂની સુંઢ રૂપી પ્રતિષ્ઠા ખુબ જ મોટી હોય છે. ગુરૂની પ્રતિષ્ઠા તોડવાની ઘણી જ કોશીષ થાય છે પરંતુ કોઇ તોડી શકતું નથી. ગણપતિ સ્વરૂપ ગુરૂના કાન મોટા હોય છે. તેઓ ક્યારેય કોઇની નિંદા સાંભળતાં નથી. ગણપતિ રૂપ ગુરૂનું પેટ મોટું હોય છે. તેઓ બધાંની હરકતોને પેટમાં સમાવી લે છે અને બદલામાં તેમને જરા પણ તકલીફ પહોંચાડતા નથી. ગણપતિ રૂપ ગુરૂનું વાહન નાનુ હોય છે. નાનામાં નાની વ્યક્તિનાં હિતનું વિચારી તેઓ ચાલે છે. ગણપતિ રૂપે ગુરૂ મોદક ખાય છે, એટલે કે સદાય મોજમાં, પ્રસન્નતામાં જીવે છે અને બધાંને પ્રસન્નતા વહેંચતા ફરે છે. 
 
બાપુએ મહાભારતમાં વર્ણવેલ પ્રશ્નોનો 'માનસ'નો આધાર લઇને વિસ્તૃત વર્ણન કર્યું. વેદોનો સાર શું છે?- સત્ય જ વેદોનો સાર છે. સત્ય એટલે ભગવાન રામ..रामो विग्रहवान् धर्म: साधु: सत्यपराक्रम:. ધર્મનું ચિત્ર રામ છે. રામ ધર્મ છે, રામ જ સાધુ છે, રામ જ સત્ય છે, અને રામ જ પરાક્રમ છે. જગતમાં જે બીજાનાં હિત માટે પરાક્રમ કરતાં હોય તેમાં રામનું ચિત્ર જોઓ. સત્ય સિવાય જેનો કોઇ વિચાર, ઉચ્ચાર કે આચાર ન હોય, તેમાં રામનું ચિત્ર જુઓ. આવાં રામની કથા એ જ રામચરિતમાનસ, રામાયણ એક એવું મંદિર છે જ્યારે ખોલો ત્યારે દર્શન મળે છે. 
 
બીજા મંદિરોમાં તો ખાસ સમય પર જ દર્શન મળે છે. વ્યાધની આગળ પ્રશ્ન પુછવામાં આવ્યો કે સત્યનો સાર શું છે ? - તમામ ઇન્દ્રિયો પર વિવિક પૂર્વકનો સંયમ ઇન્દ્રિયોનો સાર શું છે ? - ત્યાગ. ત્યાગનો સાર શું છે ? - નિરંતર શાંતિ, જે શંકરાચાર્યના મતથી ભગવતી જાનકી છે. બ્રાહ્મણનું લક્ષણ શું ? - જેને કોઇ પણ ધર્મના પ્રત્યે ભેદભાવ ન હોય તેનું નામ બ્રાહ્મણ છે. ધર્મ તો એક જ હોય છે, માર્ગ અલગ-અલગ હોય છે. ગંગાના મૂળ પ્રવાહમાં જ સ્નાન કરવાનું હોય છે. ઘાટ અલગ હોય શકે છે, આ એક વ્યવસ્થા હોય શકે છે. પછી ઘાટને જ કોઇ પ્રવાહ સમજી લે તો પછી તેને કેવી રીતે સમજાવીએ !
 
ગુરૂના સ્મરણના વિષયમાં કરાયેલ એક જિજ્ઞાસાના જવાબમાં બાપુએ કહ્યું કે પૂર્ણત: ગુરૂનિષ્ઠ હોય છે તે એક ક્ષણ માટે પણ ગુરૂને ભૂલી શકતાં નથી. ગુરૂ એક ધા છે, મોટી પીડા છે. તેને યાદ નથી કરવું પડતું, યાદ રહી જાય છે. આપણને ખબર નથી હોતી એવી અખંડ ગુરૂ સ્મૃતિ 24 કલાક બની રહે છે. કથાના અંતમાં બાપુએ રામ નામના મહિમાનો સુંદર રીતે આજે વિવરણ કર્યું. ચોથા દિવસની રામ કથાને વિરામ આપ્યો.
 
અહીં ઉલ્લેખનીય છે કે સાવરકુંડલામાં ચાલી રહેલ નિ:શુલ્ક હોસ્પિટલની સમકક્ષ એક બીજી હોસ્પિટલ રાજુલામાં 'મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર' બનાવવાના ઉપલક્ષ્યમાં બાપુએ ચિત્રકૂટધામ (તલગાજરડા) તરફ સવાલાખ રૂપિયાનું દાન કરીને આ શુભ સેવા યજ્ઞમાં પોતાની આહુતી આપી દીધી હતી. રાજુલાના ધારાસભ્ય શ્રી અમ્બરીષ ડેર, લોક કલાકાર માયાભાઇ, શ્રી અનિલભાઇ મહેતા અને રમેશભાઇ સચદેવે પોતપોતાની તરફથી દાન આપીને સાત કરોડની મોટી રકમ એકત્રીત કરીને આ આરોગ્ય યજ્ઞમાં પોતાની આહુતીઓ આપી દીધી હતી. આ કથા સંપૂર્ણ પણે વર્ચ્યુઅલ છે. 
 
કથાનું જીવંત પ્રસારણ આસ્થા ટીવીના માધ્યમથી અને ચિત્રકૂટ (તલગારજરડા)ની યૂટ્યુબ ચેનલથી જોઇ અને સાંભળી શકાશે. કોરોનાની હાલની વિકટ સ્થિતિને જોતા તંત્રના દિશાનિર્દેશોનું પાલન કરતાં હરિદ્વારની ગત રામકથામાં વ્યાસપીઠે જાહેર સંદશ પ્રસારીત કર્યો હતો કે રામપરા (રાજુલા)ની કથા શ્રોતા વગરની હશે. આજે રાજુલા વિસ્તારના લોકો દ્વારા અને તમામ પ્રાંતના શ્રોતાઓ દ્વારા આ અપીલની સંપૂર્ણ પણે સદ્ભાવથી પાલન થતું દેખાયું. 10-12 શ્રોતાઓ વચ્ચે આજની ચોથા દિવસની કથા પૂર્ણ થઇ.