શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 મે 2021 (15:48 IST)

રાજસ્થાનમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર મફત થાય છે તો ગુજરાતમાં કેમ નહીં?

ગુજરાતમાં કોરોના મહામારી ધીરે-ધીરે ઓછી થઈ રહી છે તો હવે નવી એક મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના થયા બાદ દર્દીમાં થતી મ્યુકોરમાઇકોસિસની બીમારીમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સિવિલમાં 500થી વધુ દર્દીઓ દાખલ છે. ત્યારે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ મ્ચુકોરમાઈકોસિસની સારવાર મફતમાં કરવા માંગ કરી છે. તેમજ ઈન્જેક્શનની કાળાબજારી પર લગામ લગાવવાની પણ માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને માંગ કરી છે કે કોરોનાની બીજી લહેરમાં દવાઓ, ઓક્સિજન અને બેડની સુવિધાને લઈને અનેક લોકો હેરાન થયાં છે. કોરોનાની પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં વધુ લોકો મૃત્યુ પામ્યાં છે. ત્યારે કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસિસ નામની બીમારીએ માથું ઉંચક્યું છે. તેની સારવાર રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પોસાય તેમ નથી. આ સારવાર પાછળ 9થી 12 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. તેમજ એક દર્દીને એન્ફોટેરિસિન ઈન્જેક્શનનો 100થી 150નો ડોઝ આપવામાં આવે છે.તેમણે પત્રમાં વધુમાં જણાવ્યુ છે કે રાજસ્થાન સરકારે મ્યુકોરમાઈકોસિસની સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફતમાં કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. તમારી સંવેદનશીલ સરકાર સમક્ષ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આ રોગની મફતમાં સારવાર મળે તેમજ ઈન્જેક્શનની કાળાબજારી પર લગામ લગાવવામાં આવે તેવી મારી વિનંતી છે