સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (09:17 IST)

વડોદરાની નિશાકુમારીએ અવિરત સતત 12 કલાકમાં 82 KM દોડ લગાવી, ગૃહમંત્રીએ કરી સન્માનિત

તમે સતત એકધારું એક કે બે કિલોમીટર ચાલો તો હાંફ ચડે છે અને આરામ કરવો પડે છે. ત્યારે વડોદરાની દોડવીર દીકરી નિશા કુમારીએ સ્વતંત્રતા દિવસ તા.૧૫ ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ પ્રતાપનગર સ્થિત પોલીસ પરેડ મેદાન પર સાંજના ૫ વાગે દોડવાનું શરૂ કર્યું હતું. 
તે સતત બાર કલાક સુધી એટલે કે વહેલી સવારના ૫ વાગ્યા સુધી મેદાનની આસપાસ દોડતી રહી. કુલ ૮૨ કિલોમીટર બાર કલાકમાં દોડી. અને તે પછી ઘડી પળનો વિરામ લીધાં વગર ફ્રેશ થઈને રેલવે પોલીસ પરેડ મેદાન પર રાજ્યના ગૃહમંત્રીના હસ્તે યોજાયેલા આઝાદી અમૃત પર્વ ધ્વજ વંદનમાં જોડાઈને રાષ્ટ્ર ધ્વજને સહુની સાથે સલામી આપી.
 
નિશાકુમારીની સાહસ યાત્રાના પ્રોત્સાહક અને રિબર્થ એડવેન્ચર સંસ્થાના સ્થાપક નિલેશ બારોટે જણાવ્યું કે, આ અગાઉ તેણે બે વાર સતત બાર કલાકની દોડની સિદ્ધિ મેળવી છે.
તાજેતરમાં જ તેણે હિમાલયના પર્વતાળ અને બર્ફિલા પ્રદેશમાં,લોકોને કોરોનાની રસી લેવા સમજાવવા માટે સાથીઓ સાથે મનાલી થી લેહની ૫૯૦ કિલોમીટરની સાયકલ યાત્રા કરી હતી. લેહ થી ખાર ડુંગલાની ૯૦ કિલોમીટરની વિકટ સાયકલ યાત્રા એકલવીરના રૂપમાં કરી હતી.
 
કોરોના રસીના પ્રચારનો યાત્રાનો શુભ આશય જોઈને સત્તાવાળાઓએ પ્રતિબંધિત સરહદી વિસ્તારમાં તેની યાત્રાને ખાસ મંજૂરી આપી હતી.રસ્તાના ગામોમાં લોકોએ તેને આવકારી હતી.
 
તેની આ સાહસિકતા, યુવા સમુદાયને પ્રેરણા આપતી પ્રવૃત્તિઓ અને કોરોના સામેની લડાઇમાં અનોખા યોગદાન માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્રે,જિલ્લા કલેકટર આર.બી.બારડની સૂચનાથી સ્વતંત્રતા દિવસ સન્માન માટે વિવિધ ક્ષેત્રોના કોરોના વોરિયર્સની સાથે નિશાકુમારીની પસંદગી કરી હતી. તેને ધ્વજ વંદન સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રશસ્તિ પત્ર પ્રદાન કરીને સન્માનિત કરી હતી. તેમણે આ દીકરીની સાહસ અને સેવા પ્રવૃત્તિઓ જાણીને ધન્યવાદ આપ્યા હતા.
 
નિશાકુમારીની સાહસયાત્રાનો આગલો અને આગવો પડાવ હિમાલય ગિરિમાળાનો સત્તોપંથ પર્વત છે. તેણે ૨૩,૦૭૫ ફૂટની ઊંચાઈ ધરાવતા આ નગાધિરાજનું વિકટ આરોહણ કરીને તેના શિખર પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાનો સંકલ્પ કર્યો છે જેના માટે તા.૨૦ ઓગસ્ટે વડોદરાથી તે પ્રસ્થાન કરશે. તેની મહેચ્છા આ રીતે સતત આગળ વધીને એવરેસ્ટ સર કરવાની છે.
 
વડોદરાના પોલીસ પરેડ મેદાન પર બાર કલાકની અવિરત દોડ યોજવાની શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંહે પરવાનગી આપી હતી અને શહેર પોલીસ તંત્રે તેના આ સાહસને પીઠબળ આપ્યું તેના માટે તે હાર્દિક આભાર માને છે.વડોદરાની સંસ્થાઓ,સજ્જનો અને કોર્પોરેટ જગત તેની આ સાહસ યાત્રાને ઉચિત પીઠબળ આપશે તેવી આ દોડવીર દીકરીને શ્રદ્ધા છે.