રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (15:04 IST)

હવે ત્રીજુ બાળક થશે તો મ્યુનિસિપાલિટીની હોસ્પિટલોમાં ચાર્જ ચૂકવવો પડશે

સમગ્ર દેશમાં વધતી જતી વસતિ હાલ ચિંતાનો વિષય બન્યો છે. ઉત્તરપ્રદેશમાં રાજ્યની ભાજપ સરકારે વસતિ નિયંત્રણ માટે નવી નીતિ જાહેર કર્યા બાદ તમામ રાજ્યોમાં વધતી વસતિ નિયંત્રણને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને વસતિ નિયંત્રણોના જૂના ઠરાવો હવે નવેસરથી કરી લાગુ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં બે બાળકો સુધી જ મફતમાં ડિલિવરી કરાવી આપવામાં આવશે. જો મહિલાને ત્રીજું બાળક થશે તો તેનો ચાર્જ લેવામાં આવશે. આ નિયમ લાગુ કરવા અંગે હાલ ચર્ચાવિચારણા ચાલી રહી છે. ટૂંક સમયમાં આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. આધારભૂત સુત્રો પ્રમાણે વર્ષ 1987માં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ માટે એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે બે બાળક સુધી સરકાર ખર્ચ ઉપાડશે અને બાદમાં નસબંધી કરાવે તો તેનો ખર્ચ પણ આપશે. આ જ ઠરાવને કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં આ લાગુ કરવા આગામી દિવસોમાં ફરીથી સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવશે બાદમાં મંજૂર કરી નિયમ લાગુ કરવામાં આવશે.આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશની જેમ વસતિ નિયંત્રણના કાયદામાં નવા નિયમને લાગુ કરવા તરફ રાજય સરકાર વિચારણા કરી રહી છે. રાજયમાં વસતિ નિયંત્રણ નીતિ લાગુ કરવા માટે પહેલા પ્રયોગ માટે રાજયના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર અમદાવાદમાં હવે કોર્પોરેશનને જુના ઠરાવમાં બદલાવ કરી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો એવી શારદાબેન, એલજી, વીએસ અને પ્રસૂતિગૃહોમાં હવે બે બાળકો સુધી જ મફતમાં ડિલિવરી કરવામાં આવશે. જે મહિલા બે બાળકોને જન્મ આપી ચૂકી હશે અને જો ત્રીજુ બાળક થાય તો તેની ડિલિવરી કરવા કોર્પોરેશનની સરકારી હોસ્પિટલો કે પ્રસૂતિગૃહોમાં જશે તો તેને ડિલિવરીનો ચાર્જ લેવામાં આવશે.આ ઠરાવ માત્ર વીએસ હોસ્પિટલ માટે જ હતો પરંતુ હવે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં લાગુ કરવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપની ચૂંટાયેલી પાંખ અને હોસ્પિટલ કમિટિના ચેરમેન વચ્ચે બેઠક યોજાઇ હતી. અધિકારીઓ અને નેતાઓ વચ્ચે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઠરાવ તૈયાર કરી અને સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવશે તે બાદ આ નિયમ લાગુ થઈ જશે.