સુરતમાં રોમિયોના ત્રાસથી પરિણીતાનું અગ્નિસ્નાન, 8 દિવસ મોત સામે ઝઝૂમી અંતિમ શ્વાસ લીધા
સુરતના કામરેજના પાસોદરામાં એક પરિણીતાએ રોમિયોના ટેલિફોનિક ત્રાસથી કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા 8 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લેતા પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
લગ્નના અઢી વર્ષમાં દોઢ વર્ષથી યુવક ફોન ઉપર વાત કરવા દબાણ કરતો હોવાનું અને ગંદી ગાળો આપતો હોવાના ઓડિયો ક્લીપ સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારે કહ્યું હતું કે અમને ન્યાય આપો, સમાજમાં દીકરીઓને બચાવવા કડક પગલાં લેવા જોઈએ.હાર્દિક નાકરાણી (મૃતક ધારાનો ભાઈ) એ જણાવ્યું હતું કે ઘટના લગભગ 12 ફેબ્રુઆરીની છે. બહેનનું પરિવાર કામ પર હતું. પાડોશીઓએ માહિતી આપી કે તમારા ઘરમાં આગ લાગી છે. દોડીને આવતા ધારા કેરોસીન છાંટી સળગી ગઈ હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ધારાનું 20 ફેબ્રુઆરીના રોજ રવિવારે બપોરે મોત નીપજ્યું હતું.
ધારાના લગ્નને અઢી વર્ષ જ થયા હતા.રોહિત મનસુખભાઇ રાદડિયા (પીડિત પતિ) એ કહ્યું હતું કે પત્નીને જયદીપ સરવૈયા નામનો યુવક ફોન પર હેરાન કરતો હતો. પત્નીના ફોનમાંથી જયદીપની હેરાનગતિની તમામ ઓડિયો ક્લિપ સાંભળી છે. બસ તું મારી સાથે વાત કર, મને ફોન કર કહી ગંદી ગાળો આપતો હતો. સારવાર દરમિયાન ધારાએ પણ પોતાના અંતિમ નિવેદનમાં બધી જ હકીકત જણાવી છે. અમને ન્યાય મળે એવી જ અપેક્ષા રાખીએ છીએ, કામરેજ પોલીસ હાલ તપાસ કરી રહી છે.