1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (21:57 IST)

પાલનપુર કોર્ટે પોલીસને રૂ. 45 કરોડના લીલાવતી ટ્રસ્ટ લૂંટ કેસમાં એફઆઈઆર નોંધવાનો કર્યો નિર્દેશ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની મેજિસ્ટ્રેટ કોર્ટે પાલનપુરની લીલાવતી હોસ્પિટલના એક સેફ વોલ્ટમાંથી 2019માં રૂ.45 કરોડની કિંમતના હીરા, દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની લૂંટના મામલે પોલીસને એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે. લૂંટના મામલે પાલનપુર પોલીસ એફઆઈઆર નોંધવામાં નિષ્ફળ રહેતાં મુંબઈ અને પાલનપુરમાં આવેલી લીલાવતી હોસ્પિટલની માલિકી અને તેનું સંચાલન કરતાં લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના મૂળ ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ કોર્ટનું શરણું લીધું હતું. 
 
પાલનપુરના સેકન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, પાયલ ગોસ્વામીએ  પોલીસની આકરી ઝાટકણી કાઢી પ્રશાંત મહેતાની ફરિયાદના આધારે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 156 (3) હેઠળ એફઆઈઆર નોંધવા 27 ઓક્ટોબરના રોજ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનને નિર્દેશ આપ્યો હતો.
 
મેજિસ્ટ્રેટે પોલીસને રિટ પિટિશન (ક્રિમિનલ) નંબર 68/2008માં લલિતા કુમારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટે જારી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવા અને એફઆઈઆરના સંદર્ભમાં યોગ્ય તપાસ હાથ ધરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
 
"અમે શરૂઆતથી જ જણાવ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. અમને ખુશી છે કે માનનીય અદાલતે પાલનપુર પોલીસને એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે. હવે અમને આશા છે કે પોલીસ ન્યાયી અને તટસ્થ તપાસ કરશે અને ગુનેગારો સામે પગલાં લેશે," તેમ પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું.
 
કેસની વિગતો મુજબ લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના ગેરકાયદેસર ટ્રસ્ટીઓ એટલે કે રશ્મિ મહેતા, ચેતન મહેતા, પ્રબોધ મહેતા, ભાવિન મહેતા, આયુષ્માન મહેતા, રેખા શેઠ, નૈનિક રૂપાણી, દિલીપ સંઘવી, લક્ષ્મીનારાયણ અને અન્ય કેટલાંક લોકોએ એકબીજા સાથે સાંઠગાંઠ કરીને પાલનપુરની લીલાવતી હોસ્પિટલમાં આવેલા મણિભવનના ભોંયરાની તિજોરીમાંથી બરોડાના મહારાજાના સંગ્રહના હીરા, દાગીના, ચાંદીના વાસણો, ફેન્સી હીરા અને અન્ય વસ્તુઓ સહિત રૂ.45 કરોડની માલની લૂંટ ચલાવી હતી.
 
તેની પ્રાચીનતાને કારણે આ તમામ વસ્તુઓ અત્યંત કિંમતી જ નહીં બલ્કે અમૂલ્ય છે, જે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટની માલિકીની છે અને યોગ્ય સમયે પાલનપુરની લીલાવતી હોસ્પિટલના વિસ્તરણ માટે સલામત કસ્ટડીમાં રાખવામાં આવી હતી.
 
પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ટ્રસ્ટીઓએ લૂંટમાં ભાગ લઈ સ્પષ્ટપણે અને નિર્લજ્જ રીતે આ ગુનાહિત કૃત્ય આચર્યું છે. અમે આ કાનૂની લડત એટલા માટે આગળ ધપાવી રહ્યાં છે કે જેથી લૂંટાયેલી કિંમતી ચીજવસ્તુઓ યોગ્ય માલિકને એટલે કે ટ્રસ્ટને પરત મળે.
 
પ્રશાંત મહેતાને સપ્ટેમ્બરમાં લૂંટની જાણ થતાં તેમણે પાલનપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે એફઆઈઆર નોંધવાને બદલે પોલીસે પ્રાથમિક તપાસ નોંધી અધિકારીઓને મુંબઈ મોકલ્યા હતા. પોલીસે ગેરકાયદેસર ટ્રસ્ટીઓના કબજામાંથી લૂંટાયેલી કેટલીક કિંમતી વસ્તુઓ બરામદ કરી હતી. પરંતુ, એફઆઈઆર નોંધવાને બદલે પોલીસ કર્મચારીઓ આરોપીઓને જ કિંમતી ચીજવસ્તુઓ પરત કરી પાલનપુર પરત ફર્યાં હતાં.
 
ગેરકાયદેસર ટ્રસ્ટીઓ સામે તમામ ગુનાહિત પુરાવા હોવા છતાં પોલીસે એફઆઈઆર નોંધવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે પ્રશાંત મહેતાએ તેમની ફરિયાદોના નિવારણ માટે તથા આરોપીઓને પકડાવવા અને ગુજરાતની પ્રજાની કિંમતી ચીજવસ્તુઓની વસૂલાત માટે ન્યાયતંત્રના દરવાજા ખખડાવ્યા હતાં.