શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 માર્ચ 2018 (14:39 IST)

પાટીદારોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે તડાફડી

પાટીદારોના આંદોલન અને તેના પર થયેલા કેસો પાછા ખેંચવાના મામલે વિધાનસભા ગૃહમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ભારે તડાફડી બોલી હતી. બન્ને પક્ષ તરફથી આક્ષેપો - પ્રતિ આક્ષેપોનો મારો ચાલ્યો હતો. જેમાં ભાજપે એવું કહ્યું કે જાતિવાદને ભડકાવીને સત્તા પર આવવાના કોંગ્રેસના મનસુબા પૂરા થયા નથી. તો કોંગ્રેસે કહ્યું કે ચૂંટણી પહેલા પાટીદારોને વચન આપ્યા બાદ સરકારે તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. બજેટની માગણીઓ પરની ચર્ચા અને મતદાનનાં છઠ્ઠા દિવસે ધારાસભ્યોએ પોતાના પ્રવચન દરમિયાન પાટીદારના સંદર્ભમાં મુદ્દાઓ ઊઠાવીને ગૃહનું વાતાવરણ ગરમ કરી દીધું હતું.

કોંગ્રેસના સી.જે. ચાવડાએ કહ્યું કે, ચૂંટણી સમયે દાઉદ ઈબ્રાહીમને પાતાળમાંથી પકડી લાવવાની જાહેરાત કરી હતી પણ સરકારે હાર્દિક પટેલને પકડીને જેલમાં પૂરી દીધો. કોંગ્રેસનાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતનાં અન્ય કેટલાક સભ્યોએ પણ અંગે કહ્યું કે ચૂંટણી પહેલા સરકારે જ પાટીદારો સાથે મીટીંગો કરી હતી. અમને તેનો વાંધો પણ નથી. પરંતુ કોંગ્રેસ વાત કરે તો વર્ગવિગ્રહ દેખાય છે. એવું કહે છે કે ૯૦ ટકા કેસો પાછા ખેંચી લીધા છે. પરંતુ તેમનું આ નિવેદન ગેરમાર્ગે દોરનારું છે. સત્તા મેળવવા માટે પાટીદારોને ભયભીત કર્યા. જેની સામે જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જવાબો આપતા કહ્યું હતું કે સરકારે જે વચનો પાટીદારોને આપ્યા હતા તે મુજબ અમલ થઇ રહ્યો છે. ૯૦ ટકા કેસ પાછા ખેંચાયા છે. આયોગ અને નિગમ બનાવવા માટેની રકમની પણ બજેટમાં ફાળવણી થઇ ગઇ છે. ૧૪ કેસો એવા છે કે જેમાં સરકાર તેને પાછા ખેંચી શકે તેમ નથી. કોંગ્રેસના નેતાઓનાં જાતિવાદને ભડકાવીને સત્તા પર આવવાના મનસુબા પૂરા થયા નથી. અમે ભવિષ્યમાં પણ તેમાં તેને સફળ થવા દઇશું નહીં. કોંગ્રેસ કોઇ રીતે ભાજપને પરાસ્ત કરી શકતું ન હોવાથી જાતિવાદનો સહારો લે છે. સત્તાસ્થાને બેસવા કોંગ્રેસે જાતિવાદ ભડકાવીને તોફાનો કરાવ્યા છે.