મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 જુલાઈ 2021 (10:46 IST)

ત્રણ મહાનગરોના પોલીસ કમિશ્નર સહિત 50 જેટલા IPSની બદલીનો ટુંક સમયમાં જ આદેશ થશે

તાજેતરમાં જ રાજ્યમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. હવે ટુંક સમયમાં જ એક સાથે 50 જેટલા IPS અધિકારીઓની બદલીઓ માટેના આદેશો કરવામાં આવી શકે છે. અમદાવાદ, સુરત અને રાજકોટના પોલીસ કમિશ્નર સહિત કેટલાક જિલ્લા પોલીસ વડાની પણ બદલી થઈ શકે છે.રથયાત્રાના કારણે IPSની બદલીઓ અટકી ગઈ હતી. પરંતુ હવે ટૂંક સમયમાં જ IPS અધિકારીઓની એકસાથે બદલી કરવાની દિશામાં ગૃહ વિભાગ સક્રિય થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીના ધારાધોરણોમાં ખાસ કરી કોરોનાકાળમાં IPS ઓફિસરોની કામગીરી ધ્યાનમાં લેવામાં આવશે. કોરોનાકાળ વખતે મોટા ભાગના IPS ઓફિસરોએ મહત્વની ભૂમીકા ભજવી હતી. ખાસ કરીને પ્રજા સાથે રહીને લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરાવવાથી લઇને સારવાર અને ઇમરજન્સીમાં બજાવેલી ફરજની નોંધ લેવામાં આવી શકે છે. તે સિવાય કયા ઓફિસરોએ કેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો,ફરિયાદોના નિકાલ અને સરકાર સાથે સંકલન રાખીને કરેલી કામગીરી ને પણ ધ્યાનમાં લેવાશે. આ ઉપરાંત સથાનિક સ્વરાજની ચૂંટણી સમયે દરેક IPS અધિકારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેથી તે કામગીરી પણ ધ્યાને રાખીને દરેક IPSની બદલી કરવામાં આવશે. ગૃહ વિભાગના સૂત્રો ના જણાવ્યા અનુસાર અગામી દિવોસમાં રાજ્યમાં 50 કરતા વધું IPSની બદલી થઈ શકે છે. જેમા ખાસ કરીને જીલ્લા પોલીસ વડા તેમજ 3 શહેરના પોલીસ કમિશ્નરની બદલીની ગણતરી પણ થઈ શકે છે. ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટતાં જ એક મહિના પહેલાં 77 IAS અધિકારીની સાગમટે બદલી કરી દેવામાં આવી હતી. એમાં શિક્ષણ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી અંજુ શર્મા, ST નિગમના MD એસ.જે. હૈદર ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર અમદાવાદ જિલ્લાના DDO અને AMCના ત્રણ DYMCની બદલી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં બદલી, હેલ્થ કમિશનના ડિરેકટર તરીકે અપાઈ નિમણૂક. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરાઈ. સુરત કલેકટર ધવલ પટેલની ગુડાના CEO તરીકે બદલી કરવામા આવી છે. તાજેતરમાં રાજ્ય સરકારે મોટે પાયે IAS અધિકારીઓની બદલી કરવાનો આદેશ જારી કર્યો હતો, જેમાં પંકજકુમાર, વિપુલ મિત્રા, ડો. રાજીવ ગુપ્તા, મનોજ અગ્રવાલ, કમલ દયાણી, સુનૈયના તોમર, મમતા વર્મા, એમ. કે. દાસ સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. મહેસાણા કલેક્ટર એચ. કે. પટેલને પ્રમોશન આપવામાં આવ્યું હતું, અન્ન અને ખાદ્યના મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા છે.