ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (13:09 IST)

Gujarat Election 2022 - પ્રશાંત કિશોર : '2014માં મોદીને જિતાડનાર' રાજનીતિના ખેલાડી કૉંગ્રેસ સાથે હાથ મિલાવે તો ગુજરાત ચૂંટણીમાં શું થશે?

prashant kishore
'જો પ્રશાંત કિશોર કૉંગ્રેસ સાથે જોડાય તો ભાજપને 2017 કરતાં વધારે નુકસાન થાય', આ શબ્દો ગુજરાતના વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હરિ દેસાઈના છે. અહેવાલો પ્રમાણે પ્રશાંત કિશોર સાથે કૉંગ્રેસની બેઠકો થઈ છે અને એવો ક્યાસ કાઢવામાં આવે છે કે પ્રશાંત કિશોર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનું કૅમ્પેન મૅનેજ કરી શકે છે.
 
પ્રશાંત કિશોરને કેટલાક રાજકીય વિશ્લેષકો 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીતનો શ્રેય આપે છે, તેઓ 2014ની ચૂંટણીના પ્રચારમાં પડદા પાછળનો ચહેરો હતા.
 
ચૂંટણી પ્રચારની આખીય રણનીતિ તેમણે તૈયાર કરી હતી. 'ચાય પે ચર્ચા' અને 'રન ફોર યુનિટી' જેવાં અભિયાન તેમના જ મગજની ઉપજ હોવાનું પણ મનાય છે.
 
કેટલાક વિશ્લેષકો 2014ની ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદીના પ્રચારને 'પાઠ્યપુસ્તકનો દાખલો' ગણાવે છે.
 
2014ની નરેન્દ્ર મોદીની જીત ઉપરાંત 2017ની કૅપ્ટન અમરિંદરસિંહની જીત, 2019ની જગન રેડ્ડીની જીત અને તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટીની જીતનો શ્રેય પણ તેમની ઝોળીમાં છે.
 
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી કેટલાક મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે, ત્યારે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી માટે રણનીતિકાર તરીકેની ભૂમિકા ભજવનાર પ્રશાંત કિશોરના કૉંગ્રેસમાં જોડાવાથી ગુજરાતની આગામી ચૂંટણીનાં પરિણામો પર તેની કેવી અસર પડી શકે? તે અંગે ચર્ચા શરૂ થઈ છે.
 
વિલ સ્મિથનાં પત્ની જેડા પિંકેટ સ્મિથને થયેલી એ બીમારી જેમાં વાળ ખરી જાય છે
કચ્છ ભૂકંપના 21 વર્ષ બાદ પણ દુકાન અને ઘરના હક માટે રાહ જોતા લોકોની કહાણી
 
 
ભાજપને 2017 કરતાં 'વધુ નુકસાન થઈ શકે'
આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોર હોય તો ગુજરાતના રાજકારણ પર કેવી અસર પડી શકે?
 
આ વાત અંગે મત વ્યક્ત કરતાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈ બીબીસી પ્રતિનિધિ અર્જુન પરમાર સાથે વાત કરતાં જણાવે છે:
 
"હાલ એવા અહેવાલો છે કે નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે તો પ્રશાંત કિશોર તેમની સાથે રહેશે. જો આવું હકીકતમાં પરિણમે તો હું ચોક્ક્સપણે કહી શકું કે ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી કરતાં ભાજપની ખરાબ હાલત થશે અને કૉંગ્રેસને લાભ થશે."
 
નોંધનીય છે કે વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઇનિંગ પાટીદાર આંદોલનના પગલે 99 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. પાટીદારોના પ્રભુત્વવાળા ઘણા વિસ્તારોમાં ભાજપને નુકસાન થયું હતું.
 
આમ, ડૉ. હરિ દેસાઈ પોતાના નિવેદનમાં સૂચવે છે કે ગત ચૂંટણીમાં ભાજપને જીતવામાં ફાંફાં પડી ગયાં હતાં. તેનાથી પણ ખરાબ પરિસ્થિતિ આ વખત સર્જાઈ શકે છે.
 
આ સિવાય વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દીપલ ત્રિવેદી પણ માને છે કે જો ગુજરાતમાં પ્રશાંત કિશોર કૉંગ્રેસ સાથે જોડાય તો કૉંગ્રેસને ચોક્કસપણે ફાયદો થઈ શકે.
 
તેઓ આ ફાયદા માટેની પૂર્વશરત સૂચવતાં તેઓ કહે છે કે, "આ લાભ ત્યારે જ થઈ શકે, જ્યારે પ્રશાંત કિશોર ગુજરાત ભાજપ સાથેના પોતાના અંગત સંબંધોમાંથી બહાર આવે."
 
એક ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે પ્રશાંત કિશોર અન્યથી એક બાબતમાં અલગ છે, તે બાબત એ છે કે તેઓ એક પેઇડ પ્રૉફેશનલ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપે છે. તેમની પાસે મોટી રિસર્ચ ટીમ છે અને તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી.
 
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ચૂંટણીમાં જીત મળી પછી પ્રશાંત કિશોરનો દબદબો વધ્યો છે, કારણ કે ભાજપના પડકારનો સામનો કઈ રીતે કરવો એ બાબતે તેઓ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ને સતત સલાહ આપી રહ્યા હતા. કેટલાક લોકો માને છે કે તેમની સલાહથી મમતા બેનરજીને ફાયદો થયો છે.
 
 
'વિપક્ષી એકતાના સૂત્રધાર'
 
તેઓ આ અગાઉ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા અને ત્યારે તેમને 'વિપક્ષી એકતાના સૂત્રધાર' ગણાવવામાં આવ્યા હતા.
 
તેમની શરદ પવાર સાથેની મુલાકાત બાબતે અનેક અનુમાનો કરવામાં આવતાં હતાં.
 
બિહારના ભોજપુરીભાષી પ્રદેશ સાથે સંબંધ ધરાવતા 44 વર્ષીય પ્રશાંત કિશોર અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી, નીતીશ કુમાર, મમતા બેનરજી, પંજાબમાં કૅપ્ટન અમરિંદર સિંહ, આંધ્ર પ્રદેશમાં જગન રેડ્ડી અને તામિલનાડુમાં ડીએમકેના નેતા એમ. કે. સ્ટાલિનને પ્રોફેશનલ સેવા આપી ચૂક્યા છે.
 
2021ની બીજી મેએ એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં તેમણે એક નિવેદન કરીને બધાને ચોંકાવી દીધા હતા.
 
તેમણે જણાવ્યું હતું કે તેઓ પ્રોફેશનલ રાજકીય સલાહકાર તરીકે સેવા આપવાનું બંધ કરવાના છે. એ પછી એવું વ્યાપક અનુમાન થવા લાગ્યું હતું કે કદાચ તેઓ રાજકારણમાં આવવા ઇચ્છે છે.
 
આમ પણ પ્રશાંત કિશોર રાજકારણમાં છે કે નહીં એ વિશે હંમેશાં શંકા સેવાતી રહી છે.
 
કોઈ માણસ કોઈ પક્ષના ઉપાધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યો હોય પછી તેના રાજકારણમાં હોવા બાબતે શંકાનું કોઈ કારણ હોવું ન જોઈએ, પણ પ્રશાંત કિશોર રાજકારણના કોચ છે કે ખેલાડી એ બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
 
આ સંજોગોમાં તેમના કૉંગ્રેસમાં સામેલ થવા સંબંધે ચાલી રહેલા અનુમાનથી ફરી એ જ સવાલ થઈ રહ્યો છે કે લોકોના મિજાજને ઓળખતા હોવાનો દાવો કરતા રાજકીય પક્ષો એક ઈલેક્શન મૅનેજરને પોતાની સાથે જોડવા શા માટે ઉતાવળા છે?
 
અહીં એ યાદ રાખવું અત્યંત જરૂરી છે કે તેમણે કૉંગ્રેસ-સમાજવાદી પક્ષની યુતિના વ્યૂહરચનાકાર તરીકે ભૂમિકા ભજવી હતી અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ગત ચૂંટણીમાં બહુ ખરાબ રીતે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો.
 
એ સિવાય તેમને સામાન્ય રીતે અત્યંત સફળ ઇલેક્શન મૅનેજર માનવામાં આવે છે.
 
2024માં નરેન્દ્ર મોદી સામે વિરોધ પક્ષને સાથે લાવવાની તૈયારી
 
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના તૃણમૂલ કૉંગ્રેસ પક્ષે ભાજપના આકરા પડકાર છતાં જીત મેળવી તેથી પ્રશાંત કિશોરનું કદ વધ્યું છે અને તેમનાં દરેક પગલાંનું ઝીણવટભર્યું આકલન કરવામાં આવે છે.
 
આ સંજોગોમાં શરદ પવાર અને કૉંગ્રેસના નેતાઓ સાથેની તેમની મુલાકાતોથી લાગે છે કે તેઓ 2024માં નરેન્દ્ર મોદી સામે વિરોધ પક્ષને સાથે લાવવાની તૈયારી કરી રહ્યા છે.
 
મુંબઈસ્થિત લેખક અને પત્રકાર પ્રશાંત કુલકર્ણી માને છે કે પ્રશાંત કિશોર ભાજપ સામે વિરોધ પક્ષોને એક કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે ભારતીય રાજકારણમાં વિરોધ પક્ષોને એક કરવાનું કામ હંમેશાં મુશ્કેલ બની રહ્યું છે.
 
ચેન્નાઈસ્થિત વરિષ્ઠ પત્રકાર ડી. સુરેશ કુમાર સવાલ કરે છે કે "કોઈ મમતા બેનરજીને વડા પ્રધાન બનાવવા ઇચ્છતું હશે તો બીજા નેતાઓ તૈયાર થશે ખરા? શરદ પવાર આ બાબતે વિચાર કરશે?"
 
"2019માં પણ આપણે જોયું હતું તેમ નેશનલ ડેમૉક્રેટિક ફ્રન્ટ સિવાયના રાજકીય પક્ષોનું કહેવું હતું કે ભાજપને હઠાવવાની જરૂર છે, પરંતુ તેઓ વચ્ચે એકતા સધાઈ ન હતી. માત્ર સ્ટાલિને કહેલું કે રાહુલ ગાંધી વડા પ્રધાનપદના ઉમેદવાર હશે."
 
એનડીટીવી સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોર જણાવી ચૂક્યા છે કે ત્રીજો કે ચોથો મોરચો ભાજપને ટક્કર આપી શકે એવું તેઓ માનતા નથી.
 
વિરોધ પક્ષમાં એકતા સાધવાના વિચાર સંબંધે એવું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર શરદ પવારને દેશના આગામી રાષ્ટ્રપતિ બનાવવાના મુદ્દે સહમતિ સાધવા વિવિધ પક્ષોના નેતાઓને મળી રહ્યા છે.
 
ધવલ કુલકર્ણીના જણાવ્યા મુજબ, "શરદ પવાર માટે વડા પ્રધાન બનવાનું સપનું ધૂંધળું થઈ ગયું છે ત્યારે તેમની નજર આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી પર છે, પરંતુ અત્યારે તો આ બધી વાતો અનુમાન માત્ર છે, કારણ કે શરદ પવારે આ વિશે કશું કહ્યું નથી."
 
પ્રશાંત કિશોરની રાજકીય મહેચ્છા શું છે?
 
 
વરિષ્ઠ પત્રકાર જયંત ઘોષાલ માને છે કે પ્રશાંત કિશોરની રાજકીય મહેચ્છા છે અને એ રાજ્યસભાના સભ્ય બનવા સુધી જ સીમિત નથી.
 
જયંત ઘોષાલ કહે છે, "પ્રશાંત કિશોર 2024ની સામાન્ય ચૂંટણીમાં મોરચા સરકારના કિંગમેકર બનવા ઇચ્છે છે."
 
અલબત્ત, તેનો મોટો આધાર ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર હશે અને એ પછી જ પ્રશાંત કિશોરના ઇરાદા સ્પષ્ટ થશે, એવું જયંત ઘોષાલ માને છે.
 
પ્રશાંત કિશોરની વિચારધારા પર સવાલ ઉઠાવતાં ડી. સુરેશકુમાર કહે છે, "તેઓ એક ચૂંટણીમાં જમણેરી પક્ષની બાજુમાં હતા. બીજી ચૂંટણીમાં બીજી વિચારધારા ધરાવતા પક્ષની સાથે હતા."
 
"એક સમયે તેઓ તમિલ પાર્ટી તરફ હતા અને બીજા વખતે તેલુગુ પાર્ટી તરફ. પ્રશાંત કિશોરે નેતા તરીકે ઊભરવું હોય તો તેમણે વાસ્તવિક સ્તરે પર આકરી મહેનત કરવી પડશે."
 
"તેમણે ખુદનું કૌવત સાબિત કરવું પડશે. તેઓ કોઈ પણ પક્ષમાં પૅરાશૂટ નેતા તરીકે ઊભરી શકશે નહીં."
 
પ્રશાંત કિશોર સામે પણ અનેક સવાલ
 
 
પ્રશાંત કિશોર બાબતે એવો સવાલ કરવામાં આવે છે કે તેઓ આટલા મોટા જાદુગર હોય તો ઉત્તર પ્રદેશમાં તેમનો જાદુ કૉંગ્રેસ માટે કેમ ન ચાલ્યો?
 
આ સવાલના જવાબમાં એવું કહેવામાં આવે છે કે કૉંગ્રેસે પ્રશાંત કિશોરનાં સૂચનોનો અમલ કર્યો ન હતો એટલે પક્ષની આવી દુર્દશા થઈ.
 
એ ઉપરાંત વિશ્લેષકો માને છે કે 2014માં નરેન્દ્ર મોદીના વિજયમાં પ્રશાંત કિશોરના યોગદાનને અતિશયોક્તિપૂર્વક રજૂ કરવામાં આવ્યું હતું.
 
તેમનું કહેવું એવું હતું કે એ સમયે સામાન્ય લોકો કૉંગ્રેસનાં કથિત કૌભાંડો અને ભ્રષ્ટાચાર વગેરેથી એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમણે દેશની ધુરા નરેન્દ્ર મોદીના હાથમાં સોંપી દીધી હતી. એ માટે કોઈ પ્રશાંત કિશોરની જરૂર ન હતી.
 
ડી સુરેશકુમારના જણાવ્યા મુજબ, તામિલનાડુમાં પ્રશાંત કિશોર ફૅક્ટર ઉપરાંત બીજાં કારણો પણ સ્ટાલિનની જીત માટે જવાબદાર હતાં. જગન મોહન રેડ્ડીની જીતનું એક કારણ એ પણ હતું કે લોકો ચંદ્રાબાબુ નાયડુના વહીવટથી ખુશ નહોતા.