શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 જુલાઈ 2020 (10:37 IST)

છેલ્લાં ૩૦ વર્ષની સરેરાશ ૮૩૧ મી.મી વરસાદની સરખામણીએ રાજ્યમાં ૩૬.૨% વરસાદ નોંધાયો

રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં અત્યાર સુધી તા.૨૧/૦૭/૨૦૨૦ અંતિત ૩૦૦.૭૮ મીમી વરસાદ થયો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૩૬.૨% છે. 
 
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૨૦ જિલ્લાના કુલ ૩૮ તાલુકાઓમાં સરેરાશ વરસાદ ૦.૯૪ મીમી નોધાયો છે. આજે સવારે ૬.૦૦ થી ૨.૦૦ સુધી ૧૬ તાલુકાઓમાં ૩ મીમી થી ૧૭ મીમી વરસાદ નોધાયો છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સૌથી વધુ ૧૭ મીમી વરસાદ થયો છે.
 
IMD દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી સમયમાં તા.૨૧ થી ૨૩ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહિવત છે તેમ જણાવ્યું છે. તા.૨૪મી જુલાઈ-૨૦૨૦ના દિવસે સામાન્ય વરસાદ થઇ શકે છે. કોઇ ભારે વરસાદ થવાની શકયતા જણાતી નથી. તા.૨૫મી જુલાઈ-૨૦૨૦ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી  વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા છે.  
 
કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે તા. ૨૦મી જુલાઈ-૨૦૨૦ સુધીમાં અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૩.૧૩ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૭૫.૭૨% વાવેતર થયુ છે.
સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૦૬૨૮ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૬૦% છે. હાલમાં વરસાદ ન હોઇ જળાશયોમાં કોઇ નોંધનીય આવક નોંધાયેલ નથી અને હાલમાં કોઇ જળાશય એલર્ટ ૫ર નથી. 
 
હાલમાં રાજયમાં વધુ વરસાદ નથી ૫રંતુ આગામી સમયમાં જો ભારે વરસાદ થાય તો તે અંગે આગોતરા આયોજન માટે અલગ-અલગ વિભાગના હાજર અઘિકારીઓને રાહત કમિશનર દ્વારા સુચના આપવામાં આવી છે.