શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 31 ઑગસ્ટ 2024 (10:12 IST)

ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું પણ જનજીવનને હજુ પણ મુશ્કેલીમાં, હવામાન વિભાગની નવી આગાહી

rain in jamnagar
rain in jamnagar
ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના પાણી ઓસરી રહ્યાં છે. જામનગર, વડોદરા, ખંભાળિયા, મોરબી સહિતના વિસ્તારોમાં સ્થિતિ હવે થાળે પડી રહી છે.
 
શુક્રવારે કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 મી.મી.થી લઇને 14 મી.મી. વરસાદ થયો હતો. સમગ્ર ગુજરાતમાં સરેરાશ 25.5 મી.મી. વરસાદ પડ્યો છે.
 
કચ્છ જિલ્લામાં શુક્રવારે 81.6 મી.મી. વરસાદ પડ્યો હતો જે સરેરાશ વરસાદ કરતા 871 ગણો વધુ છે. કચ્છમાં 24 કલાકમાં સરેરાશ 8.4 મી.મી. વરસાદ પડતો હોય છે.
 
આવી જ રીતે દેવભૂમિ દ્વારકામાં શુક્રવારે 60 મી.મી. વરસાદ થયો હતો જે સરેરાશ કરતાં 591 ટકા વધુ છે. જિલ્લામાં એક દિવસમાં સરેરાશ 8.6 મી.મી. વરસાદ પડે છે.
rain in jamnagar
ભારે વરસાદ અને તેના કારણે આવેલાં પૂરના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકોને ભારે નુકસાન થયું છે. રસ્તાઓ ધોવાઈ જતાં અને કોઝવે તૂટી જતાં ઘણા ગામો હજુ પણ સંપર્ક વિહોણાં છે. પાણી ભરાઈ જવાના કારણે રાજ્યના કેટલાક હાઇવે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
 
પાણી ઓસર્યાં બાદ સલામત સ્થળે ખેસડવામાં આવેલાં લોકોને ધીમે-ધીમે તેમના ઘરે પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે જણાવ્યું કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફૂડ પૅકેટનું વિતરણ કરવામાં આવી રહ્યો છે અને સાફ-સફાઈ માટે ટીમો તહેનાત કરવામાં આવી છે.
 
વરસાદ અને ભારે પવનના કારણે વીજ પુરવઠો પર સૌથી વધુ અસર થઈ છે. વીજ પોલ તૂટી જતાં અને વીજના થાંભલા પર વૃક્ષો પડી જતાં કેટલાય વિસ્તારોમાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે અને ઘણાં ગામોમાં લોકો વીજળી ન હોવાના કારણે સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
 
કચ્છમાં વરસાદે વિરામ લીધો પણ અનેક વિસ્તારો પાણીમાં, કુલ 60 હજારનું સ્થળાંતર
 
સતત પાંચ દિવસથી પડી રહેલા વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે.
 
દસ જેટલી નદીઓમાં ભયંકર પૂર આવ્યાં છે. તથા 16 જેટલાં તળાવો છલકાઈ ગયાં છે.
 
રાજ્યમાં કુલ 130 જળાશયોમાં પાણી ભરાવાને કારણે આસપાસના વિસ્તારોમાં હાઇઍલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કે 16 જળાશયોની આસપાસ રહેતા લોકોને ઍલર્ટ અપાયું છે અને 6 જળાશયોની આસપાસ રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે.
 
સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સૅન્ટર- ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર 30મી ઑગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધીમાં એક જ તાલુકા મુન્દ્રામાં મહત્તમ 26 મિલીમીટર વરસાદ જ પડ્યો હતો. જ્યારે કે પાટણ-વેરાવળમાં 18 મિલીમીટર, દ્વારકામાં 16 મિલીમીટર થતા દાંતીવાડા અને અંજારમાં અનુક્રમે 15-15 મિલીમીટર વરસાદ પડ્યો હતો.
 
રાજ્યના માહિતી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં કહેવાયું છે કે ચોમાસું-2024 દરમિયાન કુલ 54,346 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ સ્થળાંતર વડોદરા જિલ્લામાંથી થયું છે. અહીં 13,896 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
 
કુલ 5,124 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જે પૈકી મહત્તમ વડોદરામાંથી 1,556 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
 
ગુજરાત વીજળી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારે વરસાદને કારણે કુલ 12,404 ગામડાઓમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. જે પૈકી 11,936 ગામડાઓમાં વીજળી ચાલુ થઈ ગઈ છે જ્યારે કે 468 ગામોમાં હજુ અંધકાર વ્યાપેલો છે.
 
રાજ્યમાં કુલ 654 રસ્તાઓ તૂટી ગયા છે અથવા તો ધોવાઈ ગયા છે જેને કારણે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
 
કચ્છમાં 52 સગર્ભાને નજીકના આરોગ્યકેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં
 
કચ્છ જિલ્લામાં 366 જેટલાં મહિલાઓ સગર્ભા છે જે પૈકી 52 સગર્ભાને નજીકના આરોગ્યકેન્દ્ર ખાસે સુરક્ષીત ખસેડવામાં આવ્યા હતા.
 
કચ્છના માંડવી તાલુકામાં ભારે વરસાદને કારણે દરીયાકાંઠાના ગુંદીયાળી ગામ પાસે બે મજૂરો ફસાયા હતા. એનડીઆરએફની ટીમે ત્રણ કિલોમીટર ચાલીને તેમને રૅસ્ક્યૂ કર્યા હતા.
 
કચ્છમાં ભુજ-માંડવી રોડ ધોવાઈ ગયો છે. મુન્દ્રા-કાંડાગરા રોડ, ભુજ-લખપત રોડ, કોડાય જંકશન સહિતના રસ્તાઓ બંધ છે.
 
જામનગર શહેરમાંથી પણ બે સગર્ભા સહીત 290 વ્યક્તિઓનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અહીં અન્ય વિસ્તારોમાંથી 1550 જેટલા નાગરિકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
 
દેવભૂમિ દ્વારકામાં પણ આજે કલ્યાણપુર તાલુકાના દેવળિયા, ચાચલાણા ગામેથી 22 લોકોને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
 
હવે વરસાદે વિરામ લેતા રોગચાળો ફાટી નિકળવાનો ભય સરકારને લાગી રહ્યો છે તેથી આગોતરાં પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
 
રોગચાળો ન ફેલાય તે માટે વડોદરા શહેરોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્યની આરોગ્યતંત્રની ટીમ તપાસ કરી રહી છે. કચ્છમાં 345 જેટલી મેડિકલ ટીમ બનાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
 
માંડવીમાં 15 ઇંચ વરસાદ
 
ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનો કેર યથાવત રહેતાં ગામો અને નગરો હજુ પણ પાણીમાં ગરકાવ છે. કેટલાક તાલુકાઓમાં 24 કલાકમાં 6 ઇંચ કરતા પણ વરસાદ પડતા ચોતરફ પૂરનાં દૃશ્યો સર્જાયાં છે. જામનગર, પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં હજુ પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.
 
છેલ્લા 48 કલાકથી કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર જિલ્લામાં જીનજીવનને વ્યાપક અસર થઈ છે.
 
હજુ હવામાન વિભાગે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 30 ઑગસ્ટે ભારે વરસાદની આગાહી કરી છે. મોરબી, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયો છે.
 
રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
હવામાન વિભાગની જાણકારી પ્રમાણે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે.
 
છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કે સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ ચાર ઇંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય તમામ જિલ્લાઓમાં સરેરાશ એક ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે.