શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (14:03 IST)

રાજકોટમાં ફરીવાર લવજેહાદની ઘટના પ્રકાશમાં આવી, સતત મળતી ધમકીઓ

રાજકોટમાં ફરી એકવખત યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી જિંદગી બદતર કરવાની લવજેહાદની એક ઘટના સામે આવી છે. રાજકોટમાં એક યુવકે પોતાની ઓળખ છૂપી રાખીને એક હિન્દુ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. પરંતુ કહેવાય છે ને અસત્ય હંમેશાં વધારે સમય ટકતું નથી, ત્યારે યુવકની સાચી હકીકત જાહેર થતા હિન્દુ યુવતીએ યુવક સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

ત્યારબાદ યુવતીના પરિવારજનોએ પોતાની જ્ઞાતિના જ એક યુવક સાથે પુત્રીની સંગાઇ કરી હતી. જોકે તેમ છતાં વિધર્મી યુવકે યુવતીનો પીછો છોડ્યો નહોતો. વિધર્મી યુવક યુવતીને વારે ઘડીએ તેના મંગેતરને સચ્ચાઇ જણાવી દેવાની ધમકી આપીને હેરાન કરતો હતો. છેવટે યુવતીએ ફાંસો ખાઇ જિંદગી ટૂકાવી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ એક સોસાયટીમાં એક યુવતી રહેતી હતી. તેણે ગત સોમવારે સાંજે પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને ઘટનાસ્થળેથી યુવતીએ લખેલી સ્યૂસાઇડ નોટ કબજે કરી હતી. જેમાં યુવતીએ સ્પષ્ટ શબ્દોમાં હકીકત લખી હતી. સ્યુસાઇડ નોટ પરથી પોલીસે લવજેહાદનો કિસ્સો હોવાનું બહાર આવ્યું હતું.

રાજકોટ પોલીસે આ ઘટનામાં જણાવ્યું કે, યુવતીના પિતાને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેમાંથી એક પુત્રીને શિવપરા વિસ્તારમાં રહેતા જમીલ સોલંકી નામના ઇસમે પોતાની જાળમાં ફસાવી હતી. જમીલે પોતાની સાચી ઓળખ અને ધર્મ છુપાવી રાખીને પોતાની માયાજાળમાં યુવતીને ફસાવતો ગયો હતો, પરંતુ જમીલનો સાચો ચહેરો બહાર આવતા યુવતી સમસમી ગઇ હતી અને જમીલને છોડી પરત પોતાના ઘરે આવી ગઇ હતી, પરંતુ જમીલ તેનો પીછો છોડતો નહોતો.

જમીલની ધમકીઓથી યુવતી ત્રાસી ગઇ હતી. જેથી તેણે પોતાની સંગાઇ પોતાના જ્ઞાતિના યુવક સાથે કરી નાખી હતી. પરંતુ નિર્ભયાની સગાઇ થતાં જમીલ ઉશ્કેરાયો હતો. તેણે યુવતીના મંગેતરને ફોન પર ધમકીનો દોર શરૂ કર્યો હતો. મંગેતરે જમીલની ધમકી અંગે વાત કરતા યુવતી ચિંતિત બની હતી. અને મંગેતર તથા પોતાને જમીલ જીવવા નહીં દે તેવું લાગતાં અંતે તેણે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. પોલીસે બનાવ અંગે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી જમીલને સકંજામાં લઇ તપાસ શરૂ કરી હતી.