મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ|
Last Modified: બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (12:35 IST)

ભરુચમાં ગણેશ પ્રતિમા ખંડીત કરીને પંડાલમાં જ માંસના ટૂકડા નાંખતાં ભક્તોમાં રોષ

ભરૂચમાં શાંતિને ડહોળવાના આશય સાથે કેટલાક અસામાજિક તત્વોએ મોફેસરજીન કમ્પાઉન્ડ ખાતે સ્થાપન કરેલા શ્રીજીની પ્રતિમા ખંડિત કરી મંડપમાં માંસના ટૂકડા મૂકી દેતાં વિસ્તારમાં તંગદીલી સાથે રહીશોમાં રોષ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળ પર દોડી આવીને અસામાજિક તત્વોને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે. ભરૂચમાં આવેલા મોફેસરજીન કમ્પાઉન્ડ વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા ધામધૂમથી ગણેશની સ્થાપના કરી હતી. પરંતુ ગત રાત્રી દરમિયાન અસામાજિક તત્વોએ ગણેશના મંડપમાં કાગળમાં ભરીને માંસના ટુકડાઓ નાખીને અંધારામાં પલાયન થઇ ગયા હતા. જે અંગેની જાણ રહીશોને થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવની વાત વાયુવેગે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જતાં લોકોના ટોળા ઉમટી આવતા અસામાજિક તત્વો વિરૂદ્ધ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બનાવની જાણ એ ડિવિઝન પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી માંસના ટુકડાઓના નમૂના મેળવી અસામાજિક તત્વોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. આ અંગે ભરૂચના પીએસઆઈ વિજય ચૌહાણે કહ્યું હતું કે ભરૂચનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો છે, ત્યારે હાલમાં મોફેસર જીમ કંપાઉન્ડ ખાતેના ગણેશ મંડળ ખાતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ટીખળખોરોના સગડ મેળવવા માટે પોલીસના તમામ પ્રયાસ ચાલું છે. મંડળે મામલામાં કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધવાનું ટાળ્યું છે. જોકે પોલીસ દ્વારા આરોપીઓેને જેર કરવા માટેના પ્રયાસો હાથ ધરાઇ રહ્યાં છે. રાત્રીના સમયે કોઇ ટીખળખોરોએ કૃત્ય કર્યું હોવાથી તેમની ભાળ મળવી એક તબક્કે મુશ્કેલ બન્યું છે. તેમ છતાં આરોપીઓના પગેરૂ મેળવવા માટે પોલીસે તમામ પાસા તપાસ રહી છે. હાલમાં પોલીસે વિસ્તારના વિવિધ કેમરાઓના ફુટેજ મેળવવા સાથે તેમાં કોઇ શંકાસ્પદ વ્યક્તિ જણાય છે કે, કેમ તેની તપાસ હાથ ધરી રહી છે.