સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વ્યૂ ગેલેરીની ટિકિટો ન મળતા કોટા વધારવાની પ્રવાસીઓની માગ
ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે સ્થાપિત થયેલ સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે બેરોજગારી મુદ્દે ચર્ચામાં છે ત્યારે હવે તેની ટિકીટના દરોમાં પણ વધારો થયો છે. તે ઉપરાંત બુકિંગમા નિયમો પણ બદલાયાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધીમાં 21 લાખ પ્રવાસીઓ આવ્યા છે, પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવનારા પ્રવાસીઓમાં અત્યાર સુધી ઓનલાઇન ટિકિટ માત્ર 50 ટકા આપવામાં આવતી હતી. બાકીની ટિકિટો સ્ટેચ્યૂ પર આવનારી ટિકિટ બારી પરથી આપવામાં આવતી હતી. પરંતુ હવે ઓનલાઈન ટિકિટો 100 ટકા કરી દેવાતા પ્રવાસીઓને ખાસ કરીને શનિ અને રવિવારની ટિકિટો સ્ટેચ્યૂ પર ન મળતા અટવાઇ જવાનો વારો આવે છે. તંત્ર દ્વારા ઓનલાઇન ટિકિટ આપવાની પ્રક્રિયા શરૂ કરતાં જ દૂરથી આવતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય છે અને વ્યૂ ગેલેરી જોયા વગર જવાનો વારો આવે છે. સ્ટેચ્યૂ પર અગાઉથી આવનારા પ્રવાસીઓ ઓનલાઇન બુકિંગ કરી દેતાં અચાનક જ સ્ટેચ્યૂ જોવાનો પ્લાન કરનારા પ્રવાસીઓને માત્ર પ્રદર્શન ગેલેરી અને ડેમ જોઇને જ પરત જવાનો વારો આવે છે. કારણકે તેમને વ્યુ ગેલેરીની ટિકિટ મળતી નથી કેમ કે લોકો ઓનલાઇન બુક કરીને આવે છે અને શનિ-રવિમાં વ્યૂ ગેલેરીમાં પ્રવસીઓને 380ની ટિકિટ મળતી નથી એટલે ટિકિટો નો કોટા વધારવા પ્રવાસીઓની માગ છે. ગત શનિવાર રવિના રોજ નર્મદા ડેમ પર સીધા આવનારા પ્રવાસીઓમાં એક પણ પ્રવાસીને વ્યુ ગેલેરીની ટિકિટ મળી ન હતી. તેઓને માત્ર રૂપિયા 125ની જ ટિકિટ મળતાં પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના જોઈન્ટ સીઇઓ નિલેશ દુબેએ જણાવ્યું હતું કે, ગત રવિવારની ટિકિટો આગલા દિવસથી ઓનલાઈન બુક થઈ ગઈ હતી. પણ રવિવારે 28 હજાર પ્રવાસીઓ નોંધાયા હતાં. જેમણે ડેમ અને સ્ટેચ્યુને માણ્યો હતો. લિફ્ટની સેવામાં લિમિટેશન હોવાથી નક્કી મુજબ જ ટિકિટ ફાળવવામાં આવે છે.