રાજકોટનો કિસ્સોઃ ગલૂડિયાનું નામ ‘સોનુ’ રાખતા પાડોશીને ચૂંક આવી, મહિલાને કેરોસીન છાંટીને સળગાવી
ઘણીવાર અમુક કારણોસર પાડોશીઓ લડી પડતા હોય છે અને મારામારી સુધી વાત પહોંચે તેવા કિસ્સા પણ તમે સાંભળ્યા હશે. પરંતુ ભાવનગરના પાલિતાણા તાલુકાથી પાડોશીઓની લડાઈનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પાડોશી પર આરોપ મૂક્યો છે કે, તેમણે ઘરમાં આવીને મહિલાને સળગાવી જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ગલુડિયાનાં નામને કારણે આ વિવાદ ઉભો થયો હતો. મહિલાના ગલૂડિયાનું નામ અને પાડોશીના પત્નીનું ઉપનામ એકસરખા હોવાને કારણે પાડોશી રોષે ભરાયા હતા.પોલીસે જણાવ્યું કે આ ઘટના સોમવારે બપોરે બની હતી. પીડિતા નીતાબેન સરવૈયા(ઉંમર 35 વર્ષ) ગંભીર રીતે દાઝી ગયા છે અને અત્યારે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. પાલિતાણા પોલીસે ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ છ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હત્યાનો પ્રયાસ, અપમાન, ઘરમાં અતિક્રમણ વગેરે જેવા ગુના આ છ લોકો વિરુદ્ધ નોંધાયા છે.
પોલીસ દ્વારા પ્રાપ્ત જામકારી અનુસાર, હજી સુધી એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં નથી આવી.જ્યારે આ ઘટના બની ત્યારે નીતાબેન પોતાના નાના દીકરા સાથે ઘરે હતા. તેમના પતિ અને બે બાળકો બહાર ગયા હતા. નીતાબેનના પાડોશી સુરાભાઈ ભરવાડ અને પાંચ અન્ય લોકો સોમવારે બપોરના સમયે તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા અને ગલૂડિયાંનું નામ સોનુ રાખવા સામે વાંધો ઉઠાવ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર સુરાભાઈ ભરવાડના પત્નીનું ઉપનામ સોનુ છે. સુરાભાઈની દલીલ હતી કે નીતાબેને જાણીજોઈને ગલૂડિયાનું નામ સોનુ રાખ્યુ હતું.નીતાબેને કહ્યું કે, સુરાભાઈ ભરવાડે મને અપશબ્દો કહ્યા પણ મેં તેમને અને અન્ય લોકોને ટાળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે હું રસોડામાં ગઈ તો તો 3 લોકોએ મારો પીછો કર્યો. તેમાંથી એક વ્યક્તિએ મારા પર કેરોસીનનો છંટકાવ કર્યો અને સુરાભાઈ ભરવાડે માચિસ સળગાવીને આગ ચાંપી. નીતાબેનનો અવાજ સાંભળીને અન્ય પાડોશીઓ ભાગીને આવ્યા. તે જ સમયે તેમના પતિ પણ ઘરે આવી પહોંચ્યા અને તેમના કોટની મદદથી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો.ફરિયાદી ગંભીર રીતે દાઝી ગયા છે. નીતાબેન અને હુમલો કરનાર આરોપીઓના પરિવાર વચ્ચે આ પહેલા પણ પાણીને કારણે લડાઈ થઈ ચૂકી છે. પરંતુ તે સમયે સમાધાન થઈ ગયુ હતું.