શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 સપ્ટેમ્બર 2025 (11:19 IST)

રાપરમાં 24 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબકતા લોકોને હાલાકી

rapar rain
સવારના 6થી 8 વાગ્યા દરમિયાન કચ્છના રાપરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ અને બનાસકાંઠાના ભાભરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર તાલુકામાં સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ જામશે, જેમાંથી ખાસ કરીને આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 3 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
 
જ્યારે બીજી બાજુ કચ્છમાં પણ મેઘરાજાએ તાંડવ કર્યાની માહિતી મળી છે. કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઈંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ  તાપી, પાટણ, વલસાડના અમુક તાલુકામાં 4.50 ઈંચ તો અમદાવાદ-ગાંધીનગરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 
rapar rain
બનાસકાંઠાના સુઈગામમાં 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે. સમગ્ર પંથકનું તમામ પાણી નડાબેટ રણ વિસ્તારમાં સમાતા અહીં રણમાં દરિયાના મોજા ઊછળતા હોય એમ ભયાવહ માહોલ સર્જાયો છે. નડાબેટ ટૂરિઝમ સાઈડ પણ પાણીમાં ગરકાવ થવાથી ભારે નુકસાની થયાનો અંદાજ છે.

ભારે અને અવિરત વરસાદને પગલે સુવઇથી ગવરીપરને જોડતો મુખ્ય પુલ તૂટી પડ્યો છે, પુલ તૂટી પડવાથી રાપર અને આસપાસના અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે, જે ગ્રામજનો માટે મોટી મુશ્કેલી બની રહી છે. સત્તાવાળાઓએ લોકોને નદી કે નાળા નજીક ન જવાની અપીલ કરી છે અને ચેતવણી અપાઈ છે કે વધુ વરસાદની સંભાવના હોવાથી સતર્ક રહેવું જરૂરી છે
 
રણમાં ભરાયેલા વરસાદી પાણી દરિયાની મોજાઓની જેમ રસ્તા પર ઉછળતા અદભૂત દૃશ્યો માણવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. સામાન્ય રીતે સૂકો રહેતો રણપ્રદેશ ભારે વરસાદના કારણે જળબંબાકાર બની ગયો છે. પાણીની લહેરો અને પવનના કારણે આ વિસ્તાર દરિયાકિનારા જેવો લાગી રહ્યો છે.