ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 29 જુલાઈ 2021 (13:44 IST)

પૌષ્ટિક સલાડ હરીફાઈ”: ૧૫ હજારથી વધુ કિશોરીઓએ શણગાર્યા વિવિધ શાકભાજીઓ-ફળો-કઠોળ

રાજકોટ જિલ્લાની વિવિધ ૧૩૬૦ આંગણવાડીઓ ખાતે કુલ ૧૫ હજારથી વધુ કિશોરીઓએ ઘરે બેઠાં વિવિધ શાકભાજીઓની નયનરમ્ય ગોઠવણી કરીને તેમની આંતરિક સુઝનો પરિચય આપ્યો હતો. પૂર્ણા દિવસની ઉજવણી અન્વયે રાજકોટ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા જિલ્લાભરની કુલ ૧૫૬૦ આંગણવાડી કેન્દ્ર ખાતે “પૌષ્ટિક સલાડ હરીફાઈ” યોજવામાં આવી હતી.  જેમાં ૧૧ થી ૧૪ વર્ષની તથા પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની ૧૩૬૦ કિશોરીઓ દ્વારા વિવિધ ફળ, લીલા શાકભાજી, કઠોળમાંથી આકર્ષક સલાડ બનાવવામાં આવ્યું હતું.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી જિજ્ઞાસાબેન દવે અને પુર્ણા કન્સલ્ટન્ટ શ્રધ્ધાબેન રાઠોડે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં ગ્રામ્ય કિશોરીઓને પ્રવૃત્તિમય રાખવા રાજયના મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા અનોખી પહેલ શરૂ કરવાના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓ માટે ઘરે બેઠાં જ બની શકે તેવી “પૌષ્ટિક સલાડ હરીફાઈ”નું આયોજન કરવામાં આવ્યું હતું. 
 
જેમાં જિલ્લાની કિશોરીઓ મોટી સંખ્યામાં સામેલ થઇ હતી. કિશોરીઓ માટેની આ હરિફાઇને મળેલા ઉત્સાહપ્રેરક પ્રતિસાદથી પ્રેરાઇને પુર્ણા દિવસની ઉજવણીરૂપે ૨૭ જુલાઇના રોજ કિશોરો માટે પણ ‘‘પૌષ્ટિક સલાડ હરીફાઈ’’નું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં રાજકોટ જિલ્લાના ૧૨ તાલુકામાં આ ઉજવણી કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયતની મહિલા, બાળ અને યુવા સમિતિના ચેરમેનશ્રી સુમિતાબેન ચાવડાએ આ હરિફાઇ નિહાળી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ કિશોરીઓને તેમના આરોગ્ય, આહાર, ઘરઆંગણે ઉપલબ્ધ વસ્તુઓ થકી થઇ શકતી આરોગ્યની જાળવણી વગેરે બાબતોથી માહિતગાર કરવામાં આવી હતી.