1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 એપ્રિલ 2019 (12:42 IST)

કુશલ લિમિટેડના ડિરેક્ટર સંદીપ અગ્રવાલની રૂપિયા 89 કરોડની ટેક્સ ચોરીમાં ધરપકડ

આવકવેરાની કરોડોની કરચોરી કરવા બદલ ઇન્કમટેક્સના દરોડાનો શિકાર બનેલા મેસર્સ કુશલ લિમિટેડના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર સંદીપ અગ્રવાલની આજે રૃા. ૬૭૨ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાઉથના કમિશનરની કચેરીની ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ ગઈકાલે મોડી રાત્રે તેમની ધરપકડ કરી હતી.
આજે તેમની ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. તેમણે તેમને ૧૫ દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે. તેથી તેમને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. કુશલ લિમિટેડ પર આવકવેરાએ પાડેલા દરોડામાં પણ રૃા. ૫૯ લાખની રોકડ અને ૫ કરોડના સોના- ચાંદીના દાગીના પકડાયા હતા. ઇન્વેસ્ટિગેશન વિંગની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આ બોગસ બિલ બનાવીને કંપનીએ રૃા. ૮૮.૭૮ કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું તેમની તપાસમાં બહાર આવ્યું છે.બોગસ બિલમાં દર્શાવવામાં આવેલા માલની ડિલીવરી વાસ્તવમાં તેમણે લીધી જ નથી. આ રીતે બિલ બનાવીને તેમને તેના પર માત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ જ લેવાનું કામ કર્યું છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જંગી ચોરીના આ કેસનો મુખ્ય સૂત્રધાર મેસર્સ કુશલ લિમિટેડના માલિક અને કંપનીના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર સંદીપ અગ્રવાલ હોવાનું તપાસમા બહાર આવ્યું છે. તેમણે માત્ર કાગળ પર જ માલની ખરીદી અને વેચાણની વિગતો દર્શાવી હતી. તેની સાથે રજૂ કરવાના થતાં ઇ-વૅ બિલ કે પછી લોરી રિસિપ્ટ તેમણે રજૂ કરી જ નહોતી. આ અધિકારીઓએ કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે સંદીપ અગ્રવાલે કોઈપણ તબક્કે વાસ્તવમાં માલની ખરીદી કરી જ નથી. તેમણે દર્શાવેલા દરેક વેપારના વહેવારો માત્ર ને માત્ર કાગળ પર જ હોવાનું તપાસમાં ખૂલ્યું છે. સંદીપ અગ્રવાલે પણ જીએસટીના અધિકારીઓએ કરેલી પૂછપરછમાં કબૂલી લીધું છે કે તેમણે માત્ર કાગળ પર જ માલની ખરીદી દર્શાવી છે. 
વાસ્તવમાં કોઈપણ સ્થળે માલની હેરફેર કરવામાં આવી જ નથી. જોકે તેમણે બોગસ બિલિંગના આ કામ કાજની તેમના મૂળ વ્યવસાય સાથે સેળભેળ કરી જ નથી. આ માટે તેમણે અગલ બૅન્ક એકાઉન્ટ અને અલગ હિસાબો રાખ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કુશલ લિમિટેડે જુદા જુદાં રાજ્યમાં રજિસ્ટર્ડ થયેલી કંપનીઓનો ઉપયોગ કરીને બોગસ બિલ મેળવ્યા હતા. આ બિલ પર મેળવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ જુદા જુદા રાજ્યમાં આવેલી આ કંપનીઓને મોકલી આપવામાં આવી હતી. તેમાં માલનો સપ્લાય કરવામાં આવતો જ ન હતો. આ રીતે તેમણે રૃા. ૮૮.૭૮ કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે.