ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2019 (12:56 IST)

સંજીવ ભટ્ટ સરકાર સામે અવાજ ઉઠાવવાની સજા ભોગવી રહ્યા છે : શ્વેતા ભટ્ટ

કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા પામેલા અને ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાના કેસમાં પાલનપુરની જેલમાં બંધ પૂર્વ આઇ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી કહ્યું હતું કે સરકાર સામે અવાજ ઉઠાવ્યો તેની સજા તેઓ ભોગવી રહ્યા છે. સંજીવ ભટ્ટને રાખડી બાંધવા માટે  કઠુઆ દુષ્કર્મ કેસના વકીલ અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ દીપિકા સિંઘ રાજાવત, હાર્દિક પટેલ અને અન્ય ૩૦૦ મહિલાઓ ૧૪મી તારીખે પાલનપુર જેલ જશે.
શ્વેતા સંજીવ ભટ્ટે કહ્યું હતું કે પાંચમી સપ્ટેમ્બર-૨૦૨૧૮ના રોજ ત્રીસથી ચાલીસ પોલીસકર્મીઓ અમારા ઘરે આવી પહોંચ્યા હતા અને પૂછપરછનું કારણ આપી તેમને લઇ ગયા હતા. ત્યારબાદ ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવા અંગેના ૧૯૯૮ના કેસમાં તેમની ધરપકડ કરી પાલનપુર જેલમાં રાખવામાં આવ્યા છે. આ દરમિયાન ૧૯૮૯ના જામનગર જિલ્લાના કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમની સામે ટ્રાયલ ચલાવી ગત  ૨૦ જૂનના રોજ તેમને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. સંજીવ ભટ્ટ સામેના કેસોમાં સરકાર આટલો રસ શા માટે લઇ રહી છે?
સંજીવ ભટ્ટે વર્ષ ૨૦૧૧માં નાણાવટી પંચ સામે ૨૦૦૨ના કોમી રમખાણો અંગે નિવેદનો અને સોગંદનામા કર્યા એટલે તેમની સામે કાર્યવાહી થઇ રહી છે? અન્ય પોલીસ અધિકારીઓને જેમ તેઓ પણ પંચ સામે એવું બોલી શક્યા હોત કે મને કશું યાદ નથી અથવા હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હોત, પરંતુ તેમણે સાચુ બોલવાનું પસંદ કર્યુ. ખાનગી ફરિયાદોના આધારે કસ્ટોડિયલ ડેથ કેસ નોંધવામાં આવ્યો હતો અને આ કેસમાં સી.આર.પી.સી.-૧૯૭ મુજબ સરકારની પરવાનગી પણ લેવામાં આવી નથી. અન્ય ઘણાં પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની સી.આર.પી.સી.-૧૯૭ની પરવાનગી ન હોવાથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે.
શ્વેતા ભટ્ટનો આક્ષેપ છે કે જામનગર સેશન્સ કોર્ટમાં જ્યારે સજાનો ચુકાદો આપવામાં આવ્યો ત્યારે ૩૦૦થી પણ વધુ પોલીસકર્મીઓ વકીલના કપડાંમાં એટલે કે સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં કોર્ટ પરિસરમાં હાજર હતા. આટલી બધી તૈયારીઓ શા માટે કરવામાં આવી રહી છે? કઠુઆ કેસના સુપ્રીમ કોર્ટના વકીલ દીપિકા સિંઘ રાજાવત, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સહિત ૩૦૦ મહિલાઓ ૧૪મી ઓગસ્ટે સંજીવ ભટ્ટને રાખડી બાંધવા પાલનપુર જેલ જશે.