સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 એપ્રિલ 2021 (18:59 IST)

અમદાવાદમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ, 100 ખાનગી હોસ્પિટલમાં માત્ર 744 બેડ જ ખાલી

રાજ્યની સાથે અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. છેલ્લા બે દિવસમાં જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો અને તેના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી 100 ખાનગી હોસ્પિટલો અને તેમાં બેડ દર્દીઓથી ભરાઈ રહ્યા છે. 50 જેટલી હોસ્પિટલમાં હવે બેડ ખાલી નથી. જેમાં માત્ર 2 કે 4 બેડ જ ખાલી છે. 100 ખાનગી હોસ્પિટલોમા 6 એપ્રિલને મંગળવારે સવાર સુધીમાં 744 જેટલા જ બેડ અને 54   વેન્ટિલેટર જ વધ્યા છે. 
 
અમદાવાદમાં દિવસે દિવસે ગંભીર પરિસ્થિતિ થતાં હવે કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો વધારવામા આવી છે. માત્ર બે જ દિવસમાં 9 હોસ્પિટલો અને બેડ વધારવાની ફરજ પડી છે. 6 એપ્રિલના રોજ સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 100 ખાનગી હોસ્પિટલમાં 3945માંથી 744 જેટલા બેડ ખાલી છે. જ્યારે 4 જેટલા કોવિડ સેન્ટરમાં 239 બેડમાંથી 79 લોકો એડમીટ છે અને 160 જેટલા બેડ ખાલી છે. કુલ 3945 બેડમાંથી આઇસોલેન વોર્ડમાં 1184 બેડ, HDUમાં 1281, ICUમાં 493 અને ICUમાં વેન્ટિલેટર પર 243 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. 
 
ખાનગી હોસ્પિટલોમા જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દિવસે દિવસે વેન્ટિલેટર પર દર્દીઓ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. રોજના 20થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી રહી છે. 5 એપ્રિલના રોજ 220 દર્દીઓ વેન્ટિલેટર પર હતા જેમાં આજે 23 વધીને 243 સુધી પહોંચ્યા છે.