ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 ઑક્ટોબર 2020 (10:29 IST)

પેટાચૂંટણીમાં બાપુ બતાવશે પરચો, 4 બેઠકો પર ઉભા રાખશે અપક્ષ ઉમેદવારો

ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણીમાં પોતાની તાકાતનો પરચો બતાવવા માટે તૈયારી શરૂ કરી છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં આઠમાંથી ચાર બેઠકો પર પોતાના પ્રજાશક્તિ મોરચા સમર્થિત અપક્ષ ઉમેદવારો ઉભા કર્યા છે. અબડાસા, મોરબી, ડાંગ અને કપરાડા બેઠક પર વાઘેલાએ પોતાના ઉમેદવારો ચૂંટનીના મેદાને ઉતાર્યા છે. હાલ શંકરસિંહ વાઘેલા આ ચારેય ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર પણ કરી રહ્યાં છે.
 
મોરબી ખાતે પ્રજા શક્તિ પાર્ટીના ઉમેદવાર વસંતભાઈ પરમારના સમર્થનમાં રેલીને સંબોધિત કરી હતી. સરકારના સમજ્યા- વિચાર્યા વગરના નિર્ણયો ને કારણે લોકો નિરાશ છે ત્યારે અમારી પાર્ટીનો પંચામૃત સંકલ્પ લોકો માટે આશાનું કિરણ બન્યું છે. નફરતની રાજનીતિ નહીં, મુદ્દાની રાજનીતિ થકી લોકોનો વિકાસ થશે! એમ કહ્યું હતું.
 
અબડાસા બેઠક પર વાઘેલાએ કેશુભાઇ પટેલની જૂની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીના ચૂંટણી પ્રતીક બેટ સાથે હનીફ પડ્યારને ઉમેદવાર તરીકે ઉતાર્યાં છે. અબડાસા બેઠક પર ક્ષત્રિયો ઉપરાંત પાટીદારો, દલિતો અને મુસ્લિમ મતો ખૂબ મોટી સંખ્યામાં છે. જ્યારે મોરબી બેઠક પર સતવારા સમાજના વસંત પરમારને ઊભા રાખ્યા છે જે ટ્રેક્ટર ચલાવતા ખેડૂતના નિશાન સાથે ચૂંટણી લડે છે. 
 
આ ઉપરાંત ડાંગમાં મનુભાઇ ભોયેને શેરડી અને ખેડૂતના નિશાનથી ઊભા રાખ્યા છે. જ્યારે કપરાડા બેઠક પર ભાજપના અસંતુષ્ટ અને ભાજપ વતી લડીને 2012માં વિધાનસભા હારેલા પ્રકાશ પટેલને ટીકીટ આપી છે.
 
શંકરસિંહ વાધેલાએ મતદારોને માલિક બની ભારતમાં પરિવર્તન લાવવાની અપીલ કરી છે. પેટા ચૂંટણીઓ માટે જોરશોરથી રાજકીય પક્ષો દ્રારા પ્રચાર અને પ્રસાર કાર્ય ચાલી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે ખાલી મતદાન જ નહીં તમે માલિક છો. અમે પ્રતિનિધિ છીએ. પણ માલિક અમે બનીએ છીએ. સાચા માલિક તમે છો, મતદાન પુરતાં માલિક ના બનો, કાયમી માટે માલિક બનો. માલિક બનવા માટે આ વિજયા દશમીના દિવસે મારી આપને શુભકામનાઓ છે.
 
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જનસંઘથી પોતાની રાજકીય કારર્કિદી શરૂ કરી હતી. ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરીને અલગ ચોકો રચ્યો હતો. અને ગુજરાતમાં કોંગ્રેસના સહયોગથી સરકારની રચના કરી હતી.