શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (12:17 IST)

13 સપ્ટેમ્બરે જાપાની પીએમનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત, જાણો શું કરાઈ તૈયારી

જાપાનના વડા પ્રધાન શિન્ઝો અબે માટેનો ૧૩મી સપ્ટેમ્બરે સ્વાગતનો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય યોજવા આયોજન થઈ રહ્યું છે, જેમાં મિની ઈન્ડિયાની ઝાંખી રજૂ કરવાનું નક્કી થયું છે. જાપાનના પીએમ ૧૩મી સપ્ટેમ્બરની   સાંજે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ કરશે અને ત્યાંથી વડા પ્રધાન મોદી સાથે પહેલાં સીધા ગાંધીઆશ્રમ ખાતે જશે. એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના ઊભા રસ્તે બંને તરફ ૩૦ મોટા સ્ટેજ બનશે, જેની ઉપર વિવિધ રાજ્યોના નૃત્યજૂથો તેમના પ્રાદેશિક ભાતીગળ પરિવેશમાં સ્થાનિક લોકનૃત્ય રજૂ કરશે, જેમાં જમ્મુ-કશ્મીર જૂથ બૂમરો ડાન્સ, રાજસ્થાન કલબેરિયા ડાન્સ, પંજાબ ગીડા ડાન્સ, હરિયાણા ધમાલ અને નાગડા ડાન્સ, મણિપુર ઢોલ-ચોલમ ડાન્સ, યુપી કથ્થક અને હોલી ડાન્સ, મધ્યપ્રદેશ બધાઈ-ગોરમરિયા ડાન્સ- એમ દરેક રાજ્યનું જૂથ તેમના પ્રાદેશિક પહેરવેશમાં ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરશે, જ્યાં સ્ટેજ બનાવવા શક્ય નથી તેવી જગ્યાએ કારપેટ ઉપર ડાન્સ થશે. યજમાન ગુજરાતે ધ્યાનાર્ષક જગ્યા મેળવી છે. એરપોર્ટ ઉપર સીએમના સ્વાગત કાર્યક્રમ પછી બંને પીએમ ૧૦૦ મીટર જેટલું ચાલીને વાહનમાં બેસવાના છે, એટલે આ ૧૦૦ મીટરના રસ્તે બંને તરફ બબ્બે સ્ટેજ ઉપર ગુજરાતના જૂથો ભવાઈ, રાસ-ગરબાની રમઝટ મચાવશે. આ સ્વાગત કાર્યક્રમ માટે રાજ્ય સરકારે તિજોરી ખુલ્લી મૂકી દીધી છે અને બધો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉઠાવશે તેમ જણાવાઈ રહ્યું છે. ગાંધીઆશ્રમના કાર્યક્રમ બાદ બંને પીએમ આશ્રમ પાછળ રિવરફ્રન્ટના રસ્તે કેટલુંક અંતર પગપાળા ચાલવાના છે, એટલે ત્યાં પણ શાનદાર આયોજન થશે.