શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 27 મે 2021 (19:20 IST)

રાજ્યના 36 શહેરોમાં દુકાનો બપોરે ત્રણ વાગે બંધ, હોટેલ-રેસ્ટોરન્ટને ટેક અવે અને હોમ ડિલિવરની રાત્રે 9 વાગ્યા સુધીની છૂટ અપાઈ

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 36 શહેરમાં એક કલાકની રાહત આપીને કર્ફ્યૂનો સમય રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલી કરવાની જાહેરાત કરી છે. તેમજ હોટેલ-રેસ્ટોરન્ટમાં ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે. જો કે દુકાનો માટેનો સમય સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે. આ જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધી જતાં સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં હવે કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી છે. 36 શહેરમાં શુક્રવારથી રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ છે, જેને કારણે વેપારીઓને રાહત થઇ છે. જોકે આ તમામ શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. આ આદેશ 21થી 28મી મે સુધી અમલી રહેશે. સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટીપાર્લર અને તમામ વેપાર સવારે 9થી બપોરના 3 સુધી ચાલુ રહી શકશે. જ્યારે બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો, જિમ, સ્પા, સ્વિમિંગ પૂલ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રખાયો છે. લગ્ન માટે 50 વ્યક્તિ અને અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા યથાવત રખાઇ છે. સરકારી, અર્ધસરકારી, ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રહી શકશે. પબ્લિક બસસેવા 50 ટકા મુસાફર ક્ષમતા સાથે ચાલશે. હોટલ-રેસ્ટોરાં સવારે 9થી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રહી શકશે, પણ માત્ર ટેકઅવે અને હોમડિલિવરીની સુવિધા આપી શકશે.