1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 24 ડિસેમ્બર 2020 (10:52 IST)

ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને લઇને સરકારે જાહેર કરી ગાઇડલાઇન

કોરોના આ વખતે નવા વર્ષની ઉજવણીને ફીકી બનાવશે. વર્ષ 2021ની પૂર્વ સંધ્યાએ આ વખતે થર્ડી ફર્સ્ટની ઉજવણી સાર્વજનિક રીતે કરી શકાશે નહી. ક્રિસમસની પ્રાર્થના સભા દરમિયાન પણ વધુમાં વધુ 200 લોકોની સીમા નક્કી કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે બુધવારે આ ગાઇડલાઇન જાહેર કરી છે. તો બીજી તરફ સ્કૂલ કોલેજો જાન્યુઆરીમાં પણ ખુલશે નહી. વાર્ષિક પરીક્ષાઓ મે મહિનામાં યોજાવવાની સંભાવના છે. 
 
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને માનવીના મહામૂલા જીવનને બચાવવા માટે રાજ્ય સરકારે સમયબધ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે રાજ્યમાં આપણે કોરોનાનું સંક્રમણ અટકાવી શક્યા છીએ. આગામી સમયમાં નાતાલ અને નવા વર્ષના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ તહેવારો દરમ્યાન પણ સંક્રમણનું પ્રમાણ વધે નહી તે માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલ SOPનું રાજ્યમાં ચુસ્તપણે અમલ કરાશે. સંબંધિતોને આ અંગે જરૂરી સૂચનાઓ પણ જારી કરી દેવાઇ છે.
 
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યારથી કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ પદે કોર કમિટીની રચના કરીને દરરોજ ચર્ચા-વિચારણા બાદ સંક્રમણને રોકવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા જેના કારણે આ સફળતા મળી છે.
 
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોને જે દિશાનિર્દેશો અમલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તે મુજબ ગુજરાતમાં પણ ચુસ્ત અમલ કરાશે. એવા સંજોગોમાં રાજ્યના સૌ નાગરિકોએ અત્યારે સુધી જે વ્યાપક સહયોગ આપ્યો છે તે જ રીતે આગામી સમયમાં પણ સહયોગ મળશે તેવો અમને દ્રઢ વિશ્વાસ છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સંક્રમણને રોકવા માટે જે SOP તૈયાર કરાઇ છે તેનો આગામી તહેવારોને અનુલક્ષીને પણ ચુસ્તપણે અમલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
 
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, કોવિડ - ૧૯ સંદર્ભે નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા  જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.  જેમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળો જેમ કે, શાક માર્કેટ, જથ્થાબંધ વેપાર તથા હરાજીના સ્થળો, ખાણીપીણીના સ્થાનો, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનપર Covid-19સંબંધીત સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે માટે વધારાના પોલીસ દળને તહેનાત કરવામાં આવશે. એજ રીતે જાહેર સ્થળોએ કોઇપણ પ્રકારની ઉજવણી કે લોકો એકત્ર થાય તેવા પ્રસંગો અંગે સ્થાનિક વહીવટીતંત્રએ ખાસ કિસ્સા સિવાય મંજૂરી આપવાની રહેશે નહી. 
 
ખાસ સંજોગોમાં મંજૂરી અપાયેલ હોય તો આ પ્રસંગો દરમિયાન કોવિડ -૧૯ના સંબંધિત સૂચનાઓનું ચુસ્તપણે અમલ થાય તથા નિયત સંખ્યામાં જ આવો પ્રસંગ પૂર્ણ થાય તે અંગે વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ ઉપરાંત માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવા સિવાયની તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવશે જેથી સંક્રમણને આગળ વધતું અટકાવી શકાય.
 
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, તહેવારોની ઉજવણી અને ધાર્મિક કાર્યક્રમો સંદર્ભે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા તા. ૩૦/૦૯/૨૦૨૦ના હુકમો તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના તા. ૦૯/૧૦/૨૦૨૦ના હુકમોથી તહેવારોની ઉજવણી / ધાર્મિક કાર્યક્રમો બાબતે સૂચનાઓ આપવામાં આવેલ છે. જે સૂચનાઓ આગામી સમયમાં આવનાર તહેવારો જેવા કે નાતાલની ઉજવણી, નવા વર્ષની પૂર્વ સંધ્યા, નવા વર્ષની ઉજવણી અંગે પણ અમલ કરાશે. ચર્ચ / પ્રાર્થના સ્થળોએ પણ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૨૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હોય એટલી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી શકશે. તથા તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત જાહેરમાં કોઇ સભા, પ્રાર્થના, રેલી કે શોભાયાત્રા કાઢી શકાશે નહી.
 
કોરોના સામે નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જે અથાગ પ્રયત્ન થઇ રહ્યા છે ત્યારે નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે. કોરોના સંક્રમણ સામે લડવા માટે માસ્ક અને યોગ્ય સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી કરવી એ જ સાચું હથિયાર સાબીત થઇ શકે છે.