ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (11:46 IST)

રાજ્યકક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા-૨૦૨૨ સુરત જિલ્લાના આંગણે યોજાશે

રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરના હેઠળની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી (સુરત) કચેરીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૬,૨૭,૨૮ ફેબ્રુ. દરમ્યાન કામરેજ તાલુકાના વલથાણ ખાતે એસ. યુ. વી. ઈન્ટરનેશનલ સ્કૂલમાં ત્રિ-દિવસીય રાજ્યકક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા યોજાશે. 
 
જેમાં રાજ્યની ૦૮ મહાનગરપાલિકા તથા ૩૩ જિલ્લા મળી કુલ ૪૧ એકમો તેમજ રાજ્યના ૨૫૦૦ જેટલા કલાકાર ભાઈઓ/બહેનો આ સ્પર્ધામાં ભાગ લેશે. દરેક જિલ્લામાંથી પ્રાચીન-અર્વાચીન ગરબા તથા રાસ મળી કુલ ૦૩ વિજેતા કલાવૃંદો ભાગ લેશે. સહભાગી થશે. જેમા તા.૨૬ અને ૨૭ ના રોજ ૧૩-૧૩ જિલ્લા તથા તા.૨૮ના રોજ ૧૫ જિલ્લા ભાગ લેશે.
 
ભાગ લેનાર દરેક કલાવૃંદોને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન ઈનામ પેટે રૂ ૧૫૦૦ રોકડ પુરસ્કાર અપાશે. આ ઉપરાંત પ્રાચીન, અર્વાચીન ગરબા તથા રાસમાં વિજેતા કલાવૃંદોમાં પ્રથમ ક્રમે રૂ ૫૧,૦૦૦, દ્વિતીય ક્રમે રૂ. ૪૧,૦૦૦ તથા તૃતિય ક્રમે વિજેતાને રૂ. ૩૧,૦૦૦ રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. તમામ કલાકારોને કાર્યક્રમની યાદગીરી રૂપે ‘લ્હાણી’ પણ આપવામાં આવશે.
 
તમામ પ્રવાસ ખર્ચ તથા નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર વહન કરશે. સ્પર્ધામાં નિષ્ણાંત તજજ્ઞો નિર્ણાયક તરીકેની કામગીરી સંભાળશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી,સુરતની યાદીમાં જણાવાયું છે.