1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 ઑગસ્ટ 2021 (11:13 IST)

નિર્દોષ વેપારી- ઉદ્યોગકારોને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવતા વ્યક્તિઓ સામે ખંડણીનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે

રાજ્યના વેપારીઓ મુક્ત વાતાવરણમાં સંપૂર્ણ સુરક્ષા સાથે વ્યવસાય કરી શકે તે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. રાજ્યમાં વેપાર, ધંધા અને ઉદ્યોગોને મળી રહેલી સારામાં સારી વ્યવસ્થાઓ અને માવજતને કારણે જ ગુજરાતની સમૃધ્ધિ વધારી શક્યા છીએ ત્યારે, રાજ્યની કાયદો-વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ જ ગુજરાતમાં ઉદ્યોગો-રોકાણોને વધુ પ્રોત્સાહન પૂરૂ પાડી રહી હોવાનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
 
અમદાવાદમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ મહદઅંશે લાંબા ગાળાના ઉધાર સાથે વ્યવસાય કરવાનો થતો હોય છે ત્યારે તેમની સાથે પોતાના માલ-સામાનના રૂપિયા પરત ન આપી છેતરપીંડી થવાના કિસ્સાઓ પણ બનતા હોવાના ધ્યાને આવ્યા હતા. જેને ગંભીરતાથી લઇને આવી છેતરપીંડીઓ થતી અટકાવવા કરાયેલી SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચનાથી વેપારીઓને વિશેષ સુરક્ષા કવચ મળ્યું છે. 
 
જેને પગલે આજે સ્વર્ણિમ સંકુલ - ૨, નવા સચિવાલય, ગાંધીનગર  ખાતે અમદાવાદના મસ્કતી કાપડ મારકેટ મહાજનના વિવિધ હોદ્દેદાર તથા ટેક્ષટાઇલ વેપારી મંડળના સભ્યો દ્વારા ગૃહ રાજ્ય મંત્રીનો આભાર વ્યક્ત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. જો કે આ પ્રસંગે મંત્રી શ્રી જાડેજાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેમને પૂરી પાડવામાં આવેલી સુરક્ષા-વ્યવસ્થા એ અમારી જવાબદારી છે.
 
ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વેપારીઓના હિતોનું રક્ષણ કરવા માટે આ SITની રચના કરવામાં આવી છે, આ SIT માં એક પી.આઇ, પી.એસ. આઇ અને ત્રણ કોન્સ્ટેબલ હાલમાં કાર્યરત છે. નિર્દોષ વેપારીઓના અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા પૈસા પરત લાવવા આ ટીમ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. એક જ વર્ષમાં SIT દ્વારા વેપારીઓની ૫૨ (બાવન) જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. જેના થકી કુલ રૂા. ૫.૮૦ કરોડની રીકવરી થવા પામી છે. 
 
તદુપરાંત બે દુકાનોના વિવાદનું SIT દ્રારા સમાધાન થતા રૂા. ૧.૨૦ કરોડના વિવાદનો પણ અંત આવ્યો છે. આમ,  આશરે રૂા. ૭ કરોડના વિવાદનો SIT દ્વારા  નિકાલ કરી દેવામાં આવ્યો છે. તેમજ બે અરજીઓમાં SIT  દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં FIR  દાખલ કરવામાં આવી છે. હાલ SIT માં ચકાસણી હેઠળની ૧૪૦ જેટલી અરજીઓ અંગે મસ્કતી મારકેટની લવાદ કમિટી સાથે રહી હકારાત્મક રીતે ઉકેલની દિશામાં કામગીરી ચાલી રહી છે. સાથો સાથ અન્ય રાજ્યોમાં પણ SITની ટીમ જઇ વિવાદોના ઉકેલ માટે કામગીરી કરનાર છે.
 
ગૃહ રાજ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું કે, નિર્દોષ વેપારી- ઉદ્યોગકારોને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવતા કેટલાક વ્યક્તિઓ અંગે પણ માહિતી મળી છે, જે હરગીઝ ચલાવી લેવામાં આવશે નહીં.  વેપારીઓની આ પ્રકારની ફરીયાદો લઇને તેમના નામ જાહેર ન થાય તે રીતે ખાનગી રાહે તપાસ ચલાવી આવા ખંડણીખોર તત્વો સામે ખંડણીનો ગુનો દાખલ કરી કડકમાં  કડક કાર્યવાહી કરવા પણ પોલીસ કમિશ્નરને સૂચના આપી દેવામાં આવી છે. તે ઉપરાંત નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે ૧૧ જેટલી સ્પેશ્યલ કોર્ટ ચલાવવામાં આવી રહી છે. અને હજુ આવા કેસોના ઝડપી નિરાકરણ માટે નામ. હાઇકોર્ટ સાથે પરામર્શ કરીશું.