બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 જાન્યુઆરી 2021 (19:46 IST)

‘પરાક્રમ દિન’ની ભવ્ય ઉજવણી: ‘નેતાજી સુભાષચંદ્ર અમર રહો’ના નારાથી શામિયાણો ગુજી ઉઠયો

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ‘પરાક્રમ દિન’ તરીકેની ઉજવણીના અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી સાથે આઝાદીકાળથી દેશના અગ્રગણ્ય નેતાઓનો ગાઢ નાતો જોડાયેલો છે. હરિપુરા સાથે સુભાષચંદ્ર બોઝ, બારડોલી સાથે સરદાર પટેલ અને અને દાંડી સાથે ગાંધીજીની ગૌરવભરી યાદોથી પ્રત્યેક ગુજરાતી ગર્વ અનુભવે છે. હરિપુરાની પાવન ધરા પર સુભાષબાબુના પગલા થયા એ બારડોલી તાલુકા માટે જ નહિ, પણ રાજ્ય માટે ગર્વની ક્ષણ છે.
 
મુખ્યમંત્રીએ હરિપુરાના ચોકમાં સુભાષબાબુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથોસાથ મુખ્યમંત્રીએ ગામમાં સુભાષબાબુના સમારકની મુલાકાત લઈ ૬૮ જેટલા ચિત્રોના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. ગ્રામજનો અને કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીનું શણગારેલા ૫૧ બળદો જોડીને પરંપરાગત આદિવાસી નૃત્યો સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. જાજરમાન બળદગાડામાં સવાર થઈને મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલ્યું હતું.
 
 
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝે ‘તુમ મુજે ખુન દો, મે તુમ્હે આઝાદી દુંગા’ના નારા સાથે અંગ્રેજો સામે જંગ છેડયો હતો. ‘જીવીશુ તો દેશ માટે, મરીશુ તો દેશ માટે’ના જીવનમંત્ર સાથે સુભાષબાબુએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું તેમ જણાવી મુખ્યમંત્રીએ સુભાષબાબુ જીવતા હોત તો ઈઝરાઈયલની જેમ સમગ્ર દેશ માથુ ઉચુ કરીને જીવી રહ્યો હોત એમ ગૌરવથી જણાવ્યું હતું.
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારત અખંડ રહે, ભાગલા ન પડે અને ૯૦ ટકા લોકોને શિક્ષણ મળે તેવું સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન હતું જેને સમય જતા કોંગ્રેસે ભુલાવી દીધુ હતું. તે સમયે જવાહરલાલ નહેરૂ કરતા સુભાષચંદ્ર બોઝની લોકપ્રિયતા વધુ હતી પણ કોગ્રેસના નેતાઓએ સુભાષબાબુને હાંસિયામાં ધકેલવાનું કામ કર્યું હતું.
 
મુખ્યમંત્રીએ પરિવારવાદની જનક કોંગ્રેસે દેશની આઝાદીના મહત્વના સ્વતંત્રતા સેનાનીઓ સરદાર પટેલ, સુભાષબાબુ, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણવર્મા જેવા મહાન નેતાના યોગદાનને ભૂલાવી દીધું જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની  વિશ્વની ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવીને સરદારને વિશ્વમાં ઉજાગર કર્યા, કોલકાતામાં સુભાષ બાબુનું ભવ્ય સ્મારક અને મ્યુઝિયમ તેમજ જ્યાં વીર સાવરકરે આંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાં બે જન્મટીપ ગુજારી તે જેલને જ સાવરકર સ્મારક બનાવ્યું, જ્યારે જીનીવાથી શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ લાવવાનું ભગીરથ કાર્ય નરેન્દ્ર મોદીએ કરી આઝાદીના પાયાના પથ્થરો સમાન સ્વતંત્રતા સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિ આપી છે એમ ગર્વથી જણાવ્યું હતું.
 
દેશભક્તિ અને દેશદાઝ ભરેલા યુવાનો જ દેશના તારણહાર બને છે, અને કોઈ પણ રાષ્ટ્ર પોતાના સંઘર્ષમય ઈતિહાસમાંથી પ્રેરણા મેળવીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે એમ જણાવી મુખ્યમંત્રીએ સુભાષબાબુ, સરદાર પટેલ, ગાંધીજી જેવા આઝાદીના અગણિત ઘડવૈયાઓના જીવનમાંથી શીખ લઈ દેશને ઉન્નત માર્ગે લઈ જવાની નાનકડું પણ મૂલ્યવાન યોગદાન આપવાનું આહવાન કર્યું હતું. દેશની મહાન પ્રતિભાઓ અને આઝાદીના લડવૈયાઓને હાંસિયામાં ધકેલવાનું ધૃણાસ્પદ કાર્ય કોંગ્રેસ દ્વારા થઈ રહ્યું હોવાનું જણાવી મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, કોંગ્રેસનાં હૈયે હમેશા પરિવારનું હિત રહ્યું છે, જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતિને પ્રાધાન્ય આપ્યું છે.
 
આઝાદીના જંગમાં જનનેતા સુભાષબાબુના મહામૂલા યોગદાનનું સ્મરણ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુભાષબાબુએ તે સમયે આઈ.એ.એસ. જેવી ગણાતી ‘આઈ.સી.એસ.’ની પરીક્ષા પાસ કરી હતી. મોભાદાર સરકારી નોકરીને છોડીને મા ભોમને આઝાદ કરવા માટે જાપાનમાં આઝાદ હિન્દ ફોઝની રચના  કરી. એમાં પણ મહિલા રેજિમેન્ટ સ્થાપીને આઝાદીના જંગમાં પુરૂષોની સમકક્ષ મહિલાઓને પણ પ્રાધાન્ય આપીને અંગેજો સામે આઝાદીનું બ્યુગલ ફૂંક્યું હતું.
 
બારડોલીના હરિપુરા ગામમાં વર્ષ ૧૯૩૮માં સુભાષબાબુનાં આગમન વેળાના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ૫૧માં અધિવેશનના આયોજન અને વ્યવસ્થાની સમગ્ર જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળી હતી. સરદાર પટેલે અધિવેશન સ્થળનું નામ ‘વિઠ્ઠલનગર’ રાખ્યું હતું. ૫૧ શણગારેલા બળદગાડાં સાથે હરિપુરાથી વિઠ્ઠલનગર સુધી સુભાષચંદ્ર બોઝનું સરઘસ કાઢીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
 
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટિલે સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું કે, સુભાષચંદ્ર બોઝ સાથે હરિપુરા ગામનું નામ ઈતિહાસમાં અંકિત થઈ ગયું છે. અખંડ ભારતના હિમાયતી મહાવીર સુભાષબાબુએ ‘જય હિંદ’ના નારા સાથે અંગ્રેજોને હંફાવ્યા હતા. તેમણે ભરેલા આક્રમક પગલાથી ગુલામીની બેડીમાં જકડાયેલા દેશવાસીઓ અને નવલોહિયા યુવાનોમાં નવો પ્રાણ ફૂંકાયો હતો.
 
સમારોહમાં મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરક જીવનગાથા અને સંગ્રહિત અલભ્ય પત્રોની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. આ વેળાએ બંગાળી સમાજે શંખનાદ કરી મુખ્યમંત્રીનું ભવ્ય અભિવાદન કર્યું હતું.