હાર્ટ-એટેકથી સુરતના કોર્પોરેટર ગેમર દેસાઈનું મોત
સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈનું નિધન થતા સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. એકાએક જ ગેમર દેસાઈને ઘરે છાતીમાં દુખાવો ઉપાડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. કોર્પોરેટરનું મોત હાર્ટ-એટેકની થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
સુરત સહિત રાજ્યમાં રોજ હાર્ટ-એટેકના કારણે લોકોના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આજે સવારે સુરતના વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ગેમર દેસાઈ પોતાના ઘરે હતા, તે દરમિયાન તેમને એકાએક જ છાતીમાં દુખાવો થયો હતો અને તબિયત લથડી હતી. પરિવારના સભ્યો તેમને તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ સારવાર થાય તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.ગેમર દેસાઈના હાર્ટ-એટેકના સમાચાર વાયુવેગે સમગ્ર શહેરભરમાં ફેલાઈ ગયા હતા. તેમના નિધનના સમાચારથી તમામ લોકો સ્તબધ થઈ ગયા હતા. સમાચાર મળતા જ ભાજપના કોર્પોરેટરો અને અન્ય હોદ્દેદારો સ્મિમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હાલ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.