ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (11:44 IST)

કમાણીની ઉત્તમ તક, હવે સરકાર રૂ। ૨.૨૫ પ્રતિ યુનિટના દરે 25 વર્ષના કરારથી વિજળી ખરીદશે

ગુજરાતમાં સતત અવિરત મળતા સૂર્યપ્રકાશની ઊર્જાશકિતનો સૌર ઊર્જા ઉત્પાદનમાં વિનિયોગ કરીને રાજ્યના હરેક ઘરમાં સોલાર રૂફટોપ યોજનાથી વીજ ઉત્પાદન – ગ્રીન કલીન એનર્જીનો નવતર અભિગમ રાજ્ય સરકારે અમલી બનાવ્યો છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ‘સૂર્યઊર્જા રૂફટોપ – સોલાર એનર્જી રૂફટોપ’ યોજનાની વિગતો આપી હતી.
 
તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યના ઊર્જા વિભાગે આ સોલાર રૂફટોપ યોજનાનો વ્યાપક વિનિયોગ કરીને ગુજરાતને કલાયમેટ ચેન્જના પડકારો સામે પ્રદૂષણમુકત – પર્યાવરણપ્રીય સૌરઊર્જા ઉત્પાદનનો દિશાદર્શક માર્ગ દેશને ચીંધ્યો છે. આ સોલાર રૂફટોપ યોજના તહેત ઘરગથ્થુ વીજ વપરાશકાર પોતાના ઘરની અગાશી – ધાબા કે માલિકીની ખૂલ્લી જગ્યામાં સૌરઊર્જા ઉત્પન્ન કરી શકશે. એટલું જ નહિ, આ સૌરઊર્જામાંથી પોતાને જરૂર પૂરતી વીજળી વાપરીને કે તેનો ઉપયોગ કરીને વધારાની વીજળી સરકારને રૂ। ૨.૨૫ પ્રતિ યુનિટના દરે ૨૫ વર્ષના કરારથી વેચીને વીજ બિલમાં રાહત અને વધારાની આવક પણ મેળવી શકશે. 
 
રહેણાક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ ૩ કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર ૪૦% તેમજ ત્યાર બાદના ૩ કિલોવોટ થી વધુ અને ૧૦ કિલોવોટની ક્ષમતા સુધી સોલાર રૂફટોપ પર ૨૦% સબસીડી મળશે. એટલે કે કોઇ અરજદાર ૧૧ કિલોવોટ સોલર સિસ્ટમની માંગણી કરે તો પ્રથમ ૩ કિલોવોટ ઉપર ૪૦% અને પછીના ૭ કિલોવોટ ઉપર ૨૦% સબસીડી અને તે બાકીના ૧ કિલોવોટ ઉપર શૂન્ય ટકા સબસીડી મળવા પાત્ર થશે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્નું છે કે, ભારત પ્રદૂષણમુકત તથા સ્વચ્છ પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરે. ૨૦૨૨ સુધીમાં ૧ લાખ ૭પ હજાર મેગાવોટની આવી ઊર્જા ઉત્પાદન ક્ષમતાના પ્રધાનમંત્રીના નિર્ધારમાં ગુજરાત સોલાર રૂફટોપ યોજનાથી અગ્રેસર રહેશે. તેમણે ઉમેર્યુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વર્ષના રાજ્યના બજેટમાં સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના ધ્યેય સાથે જે પાંચ ક્ષેત્રો પર ફોકસ કર્યુ છે તેમાં પ્રદૂષણ રહિત ગ્રીન-કલીન એનર્જી ઉત્પાદનનો પણ સમાવેશ કરેલો છે. આ હેતુસર રાજ્યમાં ગ્રીન કલીન એનર્જીને વેગ આપવા મુખ્યમંત્રીએ રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટને પરવાનગી નહિ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે. હવે, સોલાર રૂફટોપને વેગ આપીને સ્વચ્છ-સસ્તી અને સાતત્યપૂર્ણ સૌરઊર્જાનો રાજ્યમાં વપરાશ કરવાની નેમ છે.
 
‘‘ગુજરાત સોલાર રૂફટોપમાં તા.૩૧ માર્ચ-ર૦૧૯ સુધીમાં ૩ર૬.૬૭ મેગાવટો ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. આ વર્ષે વહેલા તે પહેલા ના ધોરણે બે લાખ સોલાર રૂફટોપ તેમજ આગામી ૩ વર્ષમાં ૮ લાખ સોલાર રૂફટોપથી ૧૮૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આપણું લક્ષ્ય છે’’.તેમણે કહ્યું કે રાજ્યમાં તા. ૩૧ ઓગસ્ટ-ર૦૧૯ની સ્થિતીએ રહેણાંક હેતુના પ૩,પ૬૭ અને બિનરહેણાંક હેતુના ૩૮૪૮ ગ્રાહકો મળી કુલ પ૭૪૧પ વીજ વપરાશકારોએ ૩૯૭.૩૧ મેગાવોટ ઇન્સ્ટોલ્ડ ક્ષમતા સોલાર રૂફટોપમાં મેળવી છે. આ યોજના અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ યોજના નો લાભ લેવા વીજ ગ્રાહક કોઇપણ ક્ષમતાની સોલર સિસ્ટમ બેસાડી શકશે અને તે માટે તેના કરારીત વીજભારની મર્યાદા લાગુ પડશે નહી.
 
આ યોજના અંતર્ગત ગૃપ હાઉઝિંગ સોસાઇટી (GHS) / રેઝિડેન્શલ વેલ્ફેઅર અસોસિએશન (RWA)ની સુવિધાઓ સોસાઇટીની લાઇટ, સોસાઇટીનું વોટર વર્કસ, લિફ્ટ, સ્વિમિંગ પુલ, બગીચો વગેરેના વીજ જોડાણૉ માટે ૫૦૦ કિલવૉટની મહત્તમ મર્યાદામાં (૧૦ કિલવૉટ પ્રતિ ઘર લેખે), સોલર સિસ્ટમની કુલ કિંમત ઉપર ૨૦% સબસીડી મળશે. જ્યારે ૫૦૦ કિલવૉટની મહત્તમ મર્યાદામાં જે તે GHS / RWA ના રહેવાસી દ્વારા સ્થાપિત સોલર સિસ્ટમની ક્ષમતાઓને પણ સમાવિષ્ટ કરાશે.
 
આ સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનાનો લાભ લેવા વીજ ગ્રાહકોએ માન્ય કરાયેલ એજન્સીઓમાંથી કોઇપણ એકની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ તમામ કાર્યવાહી એજન્સીએ કરવાની રહેશે. આ માન્ય એજન્સીઓની યાદી દરેક વીજ વિતરણ કંપનીઓની વેબસાઇટ ઉપર તેમજ વીજ કચેરીએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યોજના અન્વયે લાભ લેવા માટેની વધુ વિગતો આપતાં કહ્યું કે, સોલર સિસ્ટમ સ્થપાયા બાદ જે તે એજન્સી પાંચ વર્ષ સુધી સિસ્ટમનું વિનામૂલ્યે મેન્ટેનન્સ કરવા બંધાયેલ છે. અરજી નોંધણી માટે વીજ ગ્રાહકે છેલ્લા વીજબીલ, અરજદારનો ફોટો, આધાર નંબર અને ગ્રાહકનો મોબાઇલ ફોન નંબર આપવો જરૂરી છે.
 
આ ઉપરાંત ગ્રાહકે પસંદ કરેલ એજન્સી જે તે વીજગ્રાહક વતી સોલર રૂફટોપના પોર્ટલ ઉપર ઓનલાઇન અરજીની નોંધણી કરાવશે અને તે બાદ નિયત કરેલ ડિપૉઝિટની રક્મ એજન્સી દ્વારા ભરપાઇ કરવામાં આવશે, તે રકમ અંદાજપત્રની સામે સરભર કરવામાં આવશે. અંદાજપત્રમાં સોલર સિસ્ટમનો કનેક્ટીવીટી ચાર્જ, સોલર જનરેશન મીટર ચાર્જ, મીટર ટેસ્ટીંગ ચાર્જ અને મીટરબોક્ષનો ચાર્જનો સમાવેશ થાય છે. વીજગ્રાહકોએ આ ડિપૉઝિટની કે અંદાજપત્ર એમ બે માંથી કોઇપણ રકમનો ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે નહી. ગ્રાહકે ટેન્ડરથી નક્કી કરેલ ભાવ મુજબ જ રકમ ચૂકવવાની રહેશે. તે સિવાય ગ્રાહકે અન્ય કોઇ રકમ ચૂકવવાની નથી. 
 
આ ઉપરાંત જો ચાલુ વીજ વિતરણ માળખામાં કોઇ ફેરફાર કરવાની ટેક્નિકલ જરૂરિયાત જણાશે તો તેનો ખર્ચ જે તે વીજગ્રાહકે જ ભરવાનો રહેશે. અને તે માટે વીજ વિતરણ કચેરી દ્વારા અલગથી અંદાજ આપવામાં આવશે. આ સિવાય પણ, જો ગ્રાહક મૉડ્યૂલ માઉન્ટિંગ સ્ટ્રક્ચરની રૂફ લેવલથી નિયત કરેલ ઊંચાઇમાં વધારો કરાવવા માગે તો ગ્રાહક તથા જે તે એજન્સી વચ્ચે પરસ્પર સમજુતી કરી, તે માટેનો વધારાનો ખર્ચ પરસ્પર નક્કી કરી ગ્રાહકે જે તે એજન્સીને અલગથી ચૂકવવાનો થશે.