ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 13 જૂન 2022 (16:20 IST)

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં બિશ્નોઈ ગેંગના શૂટર સંતોષ જાધવની કચ્છમાંથી ધરપકડ

sidhu musevala
પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલા બિશ્નોઇ ગેંગના શૂટર સંતોષ જાદવની ગુજરાતથી મહારાષ્ટ્રની પૂણે પોલીસે ધરપકડ કરી હોવાને પગલે ગુજરાત પોલીસને જાણ ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કચ્છ જિલ્લામાંથી પૂણે પોલીસ ધરપકડ કરી હોવાની વાત સામે આવી છે. પૂણે ગ્રામ્ય પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીની રવિવાર મોડી રાત્રે ગુજરાતમાંથી ધરપકડ કરીને રાત્રે જ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા અને 20 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

સંતોષ જાધવની ધરપકડ બાદ હવે સલમાન ખાનને મળેલી ધમકીના રહસ્ય પર પડદો ઉંચકાશે. તેની સાથે સાથે મુસેવાલાની હત્યા કેવી રીતે કરવામાં આવી અને કેટલા શાર્પ શૂટરે આ હત્યાને અંજામ આપ્યો, કોણે ટીપ આપી હતી સહિતની વાતો સ્પષ્ટ થશે.પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે અને ગત મોડી રાત્રે પકડાયેલા બે દોષિતો સહિત કુલ દસ લોકોની ધરપકડ કરી છે. આ મામલે કચ્છ પશ્ચિમના પોલીસવડા સૌરભ સિંઘે એક ડિજિટલ વેબસાઈટને જણાવ્યું હતું કે અમને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે,કચ્છમાંથી સંતોષ જાદવની ધરપકડ કરવામાં આવી છે. જો કે અમે આ બાબતને વેરીફાઈ કરાવી રહ્યા છીએ. લોકલ એજન્સી અને પોલીસને આ સમગ્ર બાબતે તપાસ કરવા કહ્યું છે.

કચ્છ પશ્ચિમ કે પૂર્વમાંથી ધરપકડ થઈ હોય અને બહારની એજન્સીએ અમને જાણ કરી હોય તેવી માહિતી અમારી સુધી આવી નથી.ઓગસ્ટ 2021માં પૂણે જિલ્લાના એક ગામમાં એક વ્યક્તિની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. પોલીસ અનુસાર એક જ ગેંગ સાથે સંકળાયેલા સંતોષ જાધવ અને ઓમકાર બાંખેલે વચ્ચે અણબનાવ થતાં સંતોષે પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ઓમકારની હત્યા કરી હતી. સ્થાનિકો પ્રમાણે સંતોષ જાધવ અને ઓંકાર બાણખેલે એક સમયે એક જ ગેંગમાં કામ કરતા હતા. એ બાદ તેમની વચ્ચે મતભેદ થયા અને દુશ્મનીનાં બીજ રોપાયાં હતા. 31 જુલાઈ 2021ના દિવસે સંતોષ જાધવે સ્ટેટસ મૂક્યું હતું કે, 'સૂર્ય ઊગે એ પહેલાં તને પતાવી દઈશ'. જવાબમાં ઓંકારે સ્ટેટસ મૂક્યું હતું કે, 'મળીશ ત્યાં મારી નાખીશ.' ત્યાર બાદ 1 ઓગસ્ટે ગામમાં જ ઓંકારની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.સંતોષ જાધવનાં લગ્ન થઈ ગયાં છે અને તેને દીકરી પણ છે. જોકે, સંતોષનાં માતાના જણાવ્યા અનુસાર પરિવારનો મોટો પુત્ર હોવા છતાં એ પરિવારની જવાબદારી નથી ઉઠાવતો. બાંખેલે કેસમાં કુલ નવ આરોપીઓ સામેલ હતા. જે પૈકી સાતની તે સમયે જ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, હત્યાનો મુખ્ય આરોપી સંતોષ જાધવ પોલીસની પકડથી દૂર હતો. આશરે 10 મહિના બાદ છ જૂન 2022ના રોજ સંતોષ જાધવનું નામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું હતું. આ વખતે તેનું નામ સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં ચર્ચામાં હતું. તપાસ ટીમનું માનવું છે કે સંતોષ જાધવ મૂસેવાલાની હત્યામાં શાર્પશૂટર હતો.સંતોષ જાધવનું પરિવાર પૂણે જિલ્લાના અંબેગાંઓ તાલુકામાં આવેલા પોખરી ગામમાં રહેતો હતો. 10 વર્ષ પહેલાં સંતોષના પિતાના મૃત્યુ બાદ તેમનાં માતા સીતા જાધવ માંચર ગામે રહેવા આવી ગયાં હતાં. જીવનના શરૂઆતના તબક્કાથી જ સંતોષ ગુનાખોરીમાં જોડાઈ ગયો હતો. 2017માં તેનું નામ પોલીસ ચોપડે ચઢી ગયું હતું.2017માં માંચર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિને માર મારવા બદલ તેની સામે ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ 2019માં માંચર પોલીસમથકે પોક્સો એક્ટ અંતર્ગત તની સામે ગુનો નોંધાયો હતો.