1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ડિસેમ્બર 2021 (16:03 IST)

ગુજરાતના વિકાસ અને પ્રગતિમાં પાટીદાર સમાજે આપેલ યોગદાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશેઃ અમિત શાહ

અમિત શાહેમાં ઉમિયાના ધામના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે ઉમિયાધામ ઊંઝાના ટ્રસ્ટીગણે આપેલ નિમંત્રણ બદલ આભાર ની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે રૂ. 1500 કરોડના ખર્ચે મંદિર સાથે અનેકવિધ સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ અહીં ધમધમતી થશે. માત્ર મંદિર જ નહિ પણ પાટીદાર સમાજ ઉત્કર્ષની પણ પગદંડી બનશે.  આ શિલાન્યાસ એ શ્રધ્ધા, ભક્તિ અને ઉત્કર્ષના સંકલ્પનો શિલાન્યાસ છે. તેઓએ 51 કરોડ જેટલા "માં ઉમિયા શરણમ મમ" ના મંત્રો લખીને માંની ભક્તિનું દિવ્ય વાતાવરણનું સર્જન કરનાર સર્વેને સાધુવાદ પાઠવ્યા હતા. ઉમિયાધામ ઊંઝાના પ્રમુખ મણીભાઈ પટેલને જૈફ વયે પણ તેમની સમાજ સેવાની લગન અને પ્રતિબદ્ધતા માટે અભિનંદન પાઠવ્યાં હતાં અને કહ્યું હતું કે તેમના માર્ગદર્શનમાં સમાજ ઉત્કર્ષના અનેક સીમાચિહ્નો સ્થાપિત કરવાના બાકી છે.
 
પાટીદાર સમાજના ધાર્મિક સંસ્થાઓ દ્વારા થઈ રહેલ પ્રવૃત્તિઓ તમામ સમાજિક સંસ્થાઓ માટે શીખ રૂપ છે. માં ઉમિયા જ્યોતિરથનું તમામ ગામોમાં ભ્રમણ, લક્ષચંડી યજ્ઞ જેવા પ્રકલ્પો અને  દાનનું એકત્રીકરણ જેવા સંકલ્પના માધ્યમથી એક સુગઠિત સામાજિક - વૈજ્ઞાનિક વ્યવસ્થા ઉમિયા ધામ ઊંઝાએ કરી છે, તે અત્યંત પ્રસંશનીય છે. ઊંઝા ખાતે અને હવે અમદાવાદમાં પણ સ્થિતમાં ઉમિયાનું મંદિર પાટીદાર ઉપરાંત સર્વે સમાજ માટે શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરે અનેક ચઢાવ ઉતાર જોયા, મંદિર તૂટ્યું, ફરી બન્યું, 1800 વર્ષની આ યાત્રા જ દર્શાવે છે કે ગમે તેવા વિઘ્નો આવે પણ શ્રધ્ધા હોય ત્યાં પુનઃ સ્થાપિત થવાય છે. 
 
તેમણે ઉમેયું હતું કે પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ અને ગુજરાત તથા દેશના ઉત્કર્ષના ઈતિહાસ એકબીજા સાથે જોડાયેલા છે. પાટીદાર સમાજે પુરુષાર્થની પરાકાષ્ટા, શિક્ષણની લગન, ખંત અને મહેનતથી દેશની પ્રગતિમાં ઉદાહરણરૂપ યોગદાન આપ્યું છે. પાટીદાર સમાજનો વિકાસ અને ઉત્થાન અને ગુજરાતના વિકાસ અને ઉત્થાનને સામે રાખવામાં આવે તો બંનેનો ગ્રાફ એકસરખો જોવા મળશે. ગુજરાતના વિકાસ અને પ્રગતિમાં પાટીદાર સમાજે આપેલ યોગદાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે.પાટીદાર સમાજ તેની સાહસિક વૃત્તિના પરિણામે શિક્ષણ, વ્યાપાર, ટ્રેડિંગ જેવા અનેક ક્ષેત્રોમાં દેશ અને વિદેશમાં ફેલાયેલો છે.પાટીદાર સમાજે જે મેળવ્યું તે સમાજ માટે ખર્ચ્યું પણ છે. 
 
2014માં વડાપ્રધાન તરીકે આરૂઢ થયા બાદ મોદીએ શ્રધ્ધા અને આસ્થાના અનેક કેન્દ્રોના પુનઃ નિર્માણ અને જીર્ણોધ્ધાર કર્યા. કેદારનાથ ધામ કુદરતી આપદાના કારણે ખૂબ જ ક્ષત વિક્ષત થયું હતું ત્યાં મોદીએ ભગવાન આદિ શંકરની મૂર્તિ સ્થાપિત કરવાની સાથે યાત્રીઓ માટે સુવિધાઓથી સજજ અદ્યતન કેદારનાથ ધામનું નિર્માણ કર્યું. આ ઉપરાંત મોદીએ વિશ્વ વિખ્યાત કાશી વિશ્વનાથ મંદિરનો પુનરોદ્ધાર કર્યો જેના સંદર્ભે 13 ડિસેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય "ભવ્ય કાશી - દિવ્ય કાશી" કાર્યક્રમ વારાણસી ખાતે યોજાનાર છે. આ ઉપરાંત મિરઝાપુર ખાતે આક્રાંતાઓના ભયથી ઘરમાં છુપાવેલા માં વિંધ્યવાસીની મંદિરનું પણ રૂ. 3 હજાર કરોડના ખર્ચે પુનઃ નિર્માણ થઇ રહ્યું છે. 
 
અનેક વર્ષોથી હિન્દુ મંદિરો અપમાનિત અને જીર્ણ અવસ્થામાં હતા. કોઈએ તેના પુનઃ નિર્માણ કે નવીનીકરણ પ્રત્યે ધ્યાન ન આપ્યું. 2014માં કેન્દ્રમાં મોદીએ કાશી વિશ્વનાથના દર્શન અને માં ગંગાની આરતી બાદ સતાના સૂત્રો સંભાળ્યા ત્યારથી એક નવા યુગની શરૂઆત થઈ છે. આપણા મંદિરો માત્ર ધર્મના જ નહીં પણ સમાજ સેવાના, અનેક નિરાશ લોકોને આશાનું કિરણ બતાવતા ઉર્જાના કેન્દ્રો - સમાજને એક તાંતણે બાંધતા આસ્થાના પ્રતિક છે. દેશના મંદિરોના પુનઃ નિર્માણ થકી મોદીએ લોકોની ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાના સંવર્ધનનું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. 
 
અમિત શાહે તેમના મતક્ષેત્રમાં આકાર લઇ રહેલા આ મંદિર અને સમાજ કલ્યાણની પ્રવૃત્તિના કેન્દ્ર માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને તમામ દાતાઓને હદયથી ધન્યવાદ પાઠવ્યા હતા. નિર્માણાધિન આ મંદિર સમગ્ર ગુજરાતમાં શ્રધ્ધાનું કેન્દ્ર બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.અંતમાં ઉપસ્થિત સર્વેને અપીલ કરતા કહ્યું હતું કે કોરોના સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે ત્યારે તેમની સામે લડવાનો, બચવાનો એકમાત્ર ઉપાય સંપૂર્ણ રસીકરણ છે. આપણે સૌ રસીનો બીજો ડોઝ લઈએ અને અન્યોને પણ લેવડાવીએ, વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમમાં સહયોગ આપીએ અને સંપૂર્ણ ગુજરાત સ્વસ્થ રહે તે માટે કટિબદ્ધ બનીએ.