સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 મે 2020 (11:26 IST)

રૂપાણીનો મોટો નિર્ણય, કોરોનાની સારવાર કરતા સાચા વૉરિયર્સને સિંગલ ટાઇમ મળશે આટલું માનદ પ્રોત્સાહક મહેનતાણું

કોરોનાની સારવાર માટે ઊભી કરાયેલી સરકારી કૉવીડ19 હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરતા સાચા 'કૉરોના વૉરિયર્સ' ડોક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને અન્ય અધિકારી-કર્મચારીઓને રાજ્ય સરકાર વિશેષ પ્રોત્સાહન આપશે. સમર્પણ અને સેવાભાવથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે.
 
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે, કોરોનાના દર્દીઓ સાથે સીધા સંપર્કમાં રહીને નિદાન, તપાસ અને સારવાર આપતા ડોક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, લેબ ટેકનીશીયન તેમજ કોરોનાના શંકાસ્પદ દર્દીઓના નમૂના લેવાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ કે જેમણે 30 દિવસ કે તેનાથી વધારે દિવસો સુધી આ કામગીરી કરી હોય તેમના આ સમર્પિત ભાવને પ્રોત્સાહિત કરવા ખાસ પ્રોત્સાહક માનદવેતન આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી એ નિર્ણય કર્યો છે. 
 
તેમણે જણાવ્યું હતું કે, ક્લાસ-1 અને ક્લાસ-2 સંવર્ગના તબીબી અધિકારીઓને પ્રોત્સાહન રૂપે રૂ. 25,000 નું માનદ મહેનતાણું આપવામાં આવશે. નર્સિંગ સ્ટાફ, લેબ આસિસ્ટન્ટ સહિત વર્ગ-૩ના કર્મચારીઓને રૂ. 15,000 નું માનદ પ્રોત્સાહક મહેનતાણું અપાશે. ક્લાસ-4 સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને રૂ. 10,000 નું માનદ મહેનતાણું અપાશે. જ્યારે આઉટસોર્સિંગ અને ફિક્સ પગારમાં સેવા આપતા કર્મચારીઓને રૂ. 5,000 નું માનદ મહેનતાણું પ્રોત્સાહન તરીકે અપાશે. તેમની સેવાઓની કદર કરીને આ પ્રોત્સાહક મહેનતાણું એક વખત એટલે કે સિંગલ ટાઈમ અપાશે.