રવિવાર, 29 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2023 (13:06 IST)

વિદેશમાં પુત્રીનું સુરક્ષા કવચ બની સરકાર, પતિના ત્રાસથી હેરાન થતી પીડિતાને સુરક્ષિત ઘરે પરત લવાઈ

gujarat news
gujarat news
રાજ્યની બહેન-દીકરીઓને સુરક્ષિત રાખવા અને તેઓને પડતી મુશ્કેલીઓનું ત્વરિત નિરાકરણ લાવવા સરકાર સતત ચિંતિત રહે છે. પોર્ટુગલ ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દીકરીને સહી-સલામત રીતે ગુજરાત પરત લવાઈ છે. દીકરી ઘરે પરત ફરતાં પરિવારજનોએ સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. ગુજરાતનાં વતની અશોકભાઈ ચૌહાણ વિદેશમાં ફસાયેલી પોતાની દીકરીને તેના પતિની કેદમાંથી છોડાવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.

આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું કે, તેમની પરિણિત દીકરી જિનલબેન પોર્ટુગલ ખાતે તેના પતિ રાહુલ કુમાર વર્મા સાથે રહે છે. અહીં તેમની દીકરીને તેના પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તે તેને નજરકેદમાં રાખીને સતત ટોર્ચર કરે છે. આ ઉપરાંત તેના પાસપોર્ટ સહિતનાં તમામ ડોક્યુમેન્ટ પણ તેના પતિએ જપ્ત કરી લીધા હતા. આ કારણોસર તેમની દીકરીને વિદેશમાં મળતી આ યાત્નાઓમાંથી મુક્ત કરાવવા અને ઘરે સુરક્ષિત લાવવા મદદ માગી.

આ રજૂઆત મળતાં જ ગૃહમંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંપર્ક સાધ્યો અને તેઓના માર્ગદર્શન હેઠળ આ દીકરીને ગુજરાત તેના માતા-પિતા પાસે પરત લઈ આવવા કવાયત હાથ ધરી. કેન્દ્ર સરકાર સાથે પણ પરામર્શ કરી જરુરી સહયોગ આપવા વિનંતી કરી હતી. આ કાર્યવાહીમાં અરજદારને પણ રુબરુ બોલાવી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અરજદારની રજૂઆત બિનનિવાસી ગુજરાતી પ્રભાગની કચેરી દ્વારા પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઘટતી કાર્યવાહી હેતુ ઇ-મેઇલથી મોકલી આપવામાં આવી હતી.

પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીનાં તા.14/08/2023નાં ઇ-મેઇલથી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા હકારાત્મક પ્રત્ત્યુતર મળ્યો હતો.​​​​​​​ આ સંદર્ભે અરજદારનાં તા.24/08/2023નાં ઇ-મેઇલથી તેઓની રજૂઆત પરત્વે તેઓની દીકરી હેમખેમ ગુજરાત પરત આવી ગઈ. સરકાર દ્વારા હાથ ધરાયેલ ત્વરિત કામગીરી માટે અરજદારે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર પણ વ્યકત કર્યો.