અમદાવાદના ત્રણ મિત્રો ઓકલેન્ડના પીહા બિચ પર ફરવા ગયા, બેના દરિયામાં ડૂબી જતાં મોત
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પીહા બીચ પર દરિયાકિનારે ફરવા માટે ગયેલા અમદાવાદના ત્રણ યુવકમાંથી બે યુવક અંશુલ શાહ અને સૌરીન પટેલનાં દરિયામાં ડૂબી જવાથી મોત થયા છે. અન્ય એક યુવક અપૂર્વ મોદીને તરતા આવડતું હોવાથી તે બચી ગયો હતો. અંશુલ શાહ અને અપૂર્વ મોદી તેમની પત્નીઓ સાથે અને સૌરીન પટેલ ત્રણેય દરિયાકિનારે ગયા હતા. એ દરમિયાન આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અંશુલનું પત્નીની સામે જ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ત્રણેય ખાસ મિત્રો ફરવા માટે દરિયાકિનારે ગયા હતા અને એમાં પત્નીની નજરની સામે જ મોત થતાં પરિવારજનો ભારે આઘાતમાં છે. આવતીકાલે પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપાશે, પરંતુ તેમને લાવવા માટે ખૂબ મોટો ખર્ચ થઈ શકે છે, જેથી હવે પરિવારજનો પણ આર્થિક સંકળામણને કારણે મૃતદેહ લાવશે કે કેમ એનો નિર્ણય આવતીકાલે લેશે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ધરણીધર વિસ્તારમાં રહેતો અંશુલ શાહ, સૌરીન પટેલ અને અપૂર્વ મોદી મિત્રો હતા. સૌરીનને અપૂર્વ સ્કૂલ સમયથી ઓળખતો હતો. અંશુલને પણ ઘણાં વર્ષોથી તે ઓળખતો હતો. અંશુલ તેની પત્ની સાથે વર્કિંગ વિઝા પર ન્યૂઝીલેન્ડ ગયો હતો. અંશુલ, સૌરિન અને અપૂર્વ દરિયાના પાણીમાં ગયા હતા. જ્યારે બંનેની પત્નીઓ બહાર ઊભી હતી. બહુ દૂર ગયા નહોતા અને એક બોલથી રમી રહ્યા હતા. ત્યારે અચાનક એક વિશાળ મોજું ત્રણેય ઉપર આવી ગયું હતું, જેમાં સૌરીને અપૂર્વનો હાથ પકડી લીધો હતો, જ્યારે અંશુલ વહી ગયો હતો.
સૌરીન અને અપૂર્વ ધીરે ધીરે દરિયાકિનારે આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ અન્ય મોજું આવતાંની સાથે બંને અલગ થઈ ગયા હતા. જોકે અપૂર્વ બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. કોઈએ 111 પર ફોન કર્યો અને લગભગ 15 મિનિટ પછી કોસ્ટગાર્ડ્સ આવ્યા. ત્યાર બાદ બીજી 15 કે 20 મિનિટ પછી દરિયામાં ડૂબેલા બંને યુવાનને કિનારે લાવ્યા હતા. બંનેને CRP આપવાનો પ્રયત્ન કર્યો હતો ,પરંતુ તેઓનો જીવ બચાવી શક્યા ન હતા.