રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 મે 2022 (13:35 IST)

આજે કેજરીવાલ રાજકોટમાં, ભાજપ તોડફોડ કરાવે તેવી 'આપ'ને ભીતિ

rajkot
રાજકોટના શાસ્ત્રીમેદાનમાં આવતીકાલે  સાંજે ૭ વાગ્યે અરવિંદ કેજરીવાલની જાહેરસભાનું આયોજન થયુ છે જેમાં જંગી મેદની માટે પાર્ટી પ્રયાસ કરી  રહી છે ત્યારે ભાજપ સુરતની જેમ રાજકોટમાં અવરોધ સર્જે, તોડફોડ કરાવે  તેવી ભીતિ આજે આમ આદમી પાર્ટીના નેતાઓએ મિડીયા સમક્ષ વ્યક્ત કરી હતી.  દરમિયાન રાજકોટમાં સભા માટે પ્રથમવાર તડામાર તૈયારીઓ કરીને ઠેરઠેર આપના સુપ્રીમોના પોસ્ટરો,ઝંડા લગાડાયા છે અને સભા સ્થળે પચાસેક હજાર ખુરશીઓ ગોઠવાઈ છે.


'આમ આદમી પાર્ટીને પંજાબમાં મળેલી જીત અને ગુજરાતમાં વધતી લોકપ્રિયતાથી ભાજપમાં ડરની લાગણી જન્મી છે, ભાજપને પોતાના ૨૭ વર્ષના શાસનમાં કરેલા કામથી જીતવાનો ભરોસો નથી તેથી વિપક્ષમાં કોઈ રહે નહીં તે માટે અને વિપક્ષને સતત નબળો દેખાડવાના પ્રયાસ કરે છે અને આ નિરાશાથી આમ આદમી પાર્ટીના કાર્યકરોને દબાવવા છાશવારે હુમલા, બેનર્સ તોડવા જેવી ઘટનાઓ બનતા અમે આ ભીતિ વ્યક્ત કરી છે 'તેમ આજે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું.

આ અન્વયે આપના નેતાઓ રાજકોટ પોલીસ કમિશનરને મળ્યા હતા અને આપના રાષ્ટ્રીય સયોજક પર હુમલો કરાવાય તેવી ભીતિ દર્શાવી જરૂરી કાર્યવાહી નિષ્પક્ષ રીતે થાય તેવી માગણી કરી હતી. પોલીસ તંત્ર દ્વારા ચાર એ.સી.પી., ૭ પી.આઈ., ૩૨ પી.એસ.આઈ, ૩૫૦ એસ.આર.પી. અને પોલીસમેનનો બંદોબસ્ત ગોઠવાયો છે ઉપરાંત ઈમ્પીરીયલ પેલેસ હોટલ કે જ્યાં ૩થી ૭ અને રાત્રે રોકાણ કરવાના છે ત્યાં તથા તેમના પસાર થવાના રૂટ પર ટ્રાફિક પોલીસ બંદોબસ્ત ગોઠવાયાનું જણાવાયું છે. રાજકોટમાં બપોરે ૨.૪૫ વાગ્યે આવ્યા બાદ કેજરીવાલ ચાર કલાક હોટલમાં રહેશે જ્યાં સૌરાષ્ટ્રના નેતાઓને મળીને ચૂંટણી સંબંધી પરિસ્થિતિનો તાગ મેળવશે અને રાત્રિના પણ કેટલાક આગેવાનો સાથે મુલાકાત ગોઠવાઈ છે. સૌરાષ્ટ્રની ૫૮ ધારાસભા બેઠકો  જીતવા આપના સુપ્રીમો હવે પૂરા જોશથી લડવા તૈયારી કરી રહ્યાનું પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે.