ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 4 માર્ચ 2021 (13:21 IST)

અમદાવાદમાં સરદારનગરમાં વેપારીઓ પાસેથી હપ્તા, માસ્ક, ગાડી ડિટેઇનના નામે હેરાનગતિ થતો હોવાનો વેપારીઓનો આક્ષેપ સાથે રોષ

અમદાવાદ શહેરના કુબેરનગર ITI ટર્નીગ, સરદારનગર અને નરોડા પાટિયા રોડ પર પોલીસની ખોટી રીતે હેરાનગતિ મામલે આજે નરોડા પાટિયાથી કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. આશરે 200 જેટલી દુકાનના વેપારીઓએ બંધ પાળ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે પોલીસકર્મીઓ ખોટી રીતે અમને હેરાન કરે છે. 50- 100 રૂપિયાના હપ્તાઓ લઈ જાય છે અને ગાડી ડિટેઇન કરવાની ધમકીઓ આપે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નજર અંદાજ કરવામાં આવે છે અને રોકવાની જગ્યાએ પ્રજાને હેરાન કરવામાં આવે છે. સરદારનગરમાં દારૂના વેચાણની પ્રવૃત્તિઓ બંધ કરવાની પણ માગ કરી હતી.
સિંધિ સમાજના વેપારી અગ્રણીઓ, સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી, સેકટર 2 જેસીપી ગૌતમ પરમાર, ઝોન 4 ડીસીપી રાજેશ ગઢીયા વચ્ચે સવારે એક કલાક બેઠક થઈ હતી. બેઠકમાં વેપારીઓની માગ કરી હતી કે જે યુવકને માર માર્યો હતો તે પોલીસકર્મીઓનો સસ્પેન્ડ કરવામાં આવે, વેપારીઓને જે રીતે હેરાન કરવામાં આવે તે બંધ કરવામાં આવે. આ માગ પુરી કરવા માટે પોલીસ અધિકારીઓએ 10 તારીખ સુધીનો સમય માગ્યો છે. પોલીસકર્મીઓના આ જવાબથી વેપારીઓ સંતુષ્ટ છે. જો કે બંધ દુકાનો ખોલવા મામલે તમામ વેપારીઓ સાથે અગ્રણીઓ ચર્ચા કરશે. પછી જ દુકાનો ખોલવા મામલે નિર્ણય લેશે. 
 
સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે સરદારનગર, આંબાવાડી, કુબેરનગર વિસ્તારમાં પોલીસે ઠેર ઠેર પોઈન્ટ ઉભા કર્યા છે જે શેના માટે ઉભા કરવામાં આવ્યા છે ? ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ છે. પોલીસકર્મીઓ રોજ હપ્તા લઈ જાય છે. માસ્કના નામે દંડ કરવામાં આવે છે. અન્ય વેપારી વિનોદભાઈએ જણાવ્યું હતું કે પોલીસને તેમનું જે કામ કરવું જોઈએ તે નથી કરતી. ગુનેગારોને પકડવા , ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવી જોઈએ તે નથી કરતી નજર અંદાજ કરે છે. પોલીસ ખોટી રીતે હેરાન કરે છે તે બંધ કરે તે જરૂરી છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓના ઈશારે હપ્તા લેવામાં આવતી હોવાની ચર્ચા છે.
 
ત્રણ દિવસ પહેલા પોલીસના મારનો ભોગ બન્યો હોવાનો આક્ષેપ કરનાર વેપારી શૈલેષભાઈએ જણાવ્યું હતું કે અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ સાથે થયેલી ચર્ચાથી સંતુષ્ટ નથી. મારી ફરિયાદ લેવાની જગ્યાએ માત્ર કાચી ફરિયાદ લીધી છે. ત્રણ દિવસ બાદ પણ ફરિયાદ નથી લીધી અને હવે 7 દિવસનો સમય માગ્યો છે. આજે લોકો અમારી સાથે છે. 
 
ત્રણ દિવસ પહેલા કુબેરનગર ITI પાસે ચાર પોલીસકર્મીઓએ એક યુવકને રોકી લાયસન્સ માગી ખોટી રીતે હેરાન કર્યો હતો અને માર માર્યો હતો. જે ઘટનામાં પોલીસકર્મીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો વેપારીઓએ આક્ષેપ કરી અને આજે વિરોધ કર્યો છે. જો પોલીસની હેરાનગતિ બંધ નહિ થાય તો અમદાવાદ બંધનું પણ એલાન કરવાની ચીમકી વેપારીઓએ ઉચ્ચારી છે.