તુ ડાકણ છે કહી જેઠ અને જેઠાણીએ મહિલાને લાકડીથી ફટકારી, નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો
આધુનિક યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો હજી અંધશ્રદ્ધાને માની રહ્યાં છે. ભણેલા ગણેલા લોકોમાં પણ અંધશ્રદ્ધા જોવા મળે છે. અંધશ્રદ્ધાની એક હચમચાવી નાખતી ઘટના ભિલોડા તાલુકાના ગાઢિયા ગામે સામે આવી છે. ગાઢિયા ગામે એક મહિલા ઉપર તેના જ જેઠ-જેઠાણી અને પરિજનોએ ડાકણના વહેમમાં ઢોર માર માર્યો હતો.ભિલોડા તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં રહેતા એક પરિવારની મહિલા ઘરમાં એકલી હતી. ત્યારે તેના સગા જેઠ-જેઠાણી અને અન્ય બીજા 4 લોકો ભેગા મળી તે પરણીતાના ઘરે મંડળી રચી ગયા હતા. મહિલા ઘરમાં એકલી હતી ત્યારે બે ઈસમો અને એક મહિલા પરણીતાના ઘરમાં ગયા અને તું ડાકણ છે એમ કહી માર માર્યો હતો.
આરોપી મહિલાએ કહ્યું કે, 'મારો પતિ બીમાર છે... એને તું સાજો કર તું ડાકણ છે. તું મારા પતિને ખાઈ જાય છે'. એમ કહી ઢોર માર માર્યો મારતા-મારતા ઢસડતા લઈ ગયા હતા.મહિલાને ઢસડી-ઢસડીને મારીને ગામના ચોરે આવેલા એક કુભી સાથે આ પરણીતાને બાંધી નિર્વસ્ત્ર કરી. બાદમાં ધારીયા અને લાકડી વડે 6 શખ્સો તેના પર તૂટી પડ્યા હતા. ડાકણના વહેમમાં મહિલા પર તેના જ સગાઓએ જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.પરણીતાની દીકરી સ્કૂલેથી ઘરે આવતાં આસપાસના પફોશીઓએ ઘટના અંગે વાત કરી એટલે દીકરીએ 108 માં વાત કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા કોઈ ફરિયાદ લેવામાં આવી ના હતી. શામળાજી પોલીસ મથકે ભોગ બનનાર મહિલાની ફરિયાદ ન લેતાં હોવાના પરિજનોએ આક્ષેપ પણ કર્યો છે. તેઓનું કહેવું છે કે આરોપીઓના સગા પોલીસમાં હોવાથી શામળાજી પોલીસે અરજી લેવા ઈન્કાર કર્યો હતો. જેથી તેઓ આજે મોડાસા ખાતે SPને રજૂઆત કરવા પહોંચ્યા અને એક મહિલા સહિત કુલ 6 લોકો સામે ફરીયાદ દાખલ કરી ન્યાયની માગ કરી હતી.