રાજ્યમાં બિનઅનામતવર્ગની જાતિઓમાં નવી જાતિઓ-પર્યાયવાચી શબ્દોનો થયો સમાવેશ
ગાંધીનગર: રાજ્યમાં બિનઅનામત વર્ગની જાતિઓની યાદી ‘પરિશિષ્ટ-ચ’માં કુલ ૬૯ જાતિઓનો સમાવેશ થાય છે. જેમાં બિનઅનામત હિન્દુ જાતિઓમાં તેમજ બિનઅનામત મુસ્લિમ જાતિઓમાં નવી જાતિઓ-પર્યાયવાચી શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી હવે બિનઅનામત વર્ગની જાતિઓની યાદી મુજબ સક્ષમ અધિકારીઓને પ્રમાણપત્રો આપવામાં સરળતા રહેશે, તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના એક ઠરાવમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યાનુસાર ‘પરિશિષ્ટ-ચ’માં એ બિનઅનામત હિન્દુ જાતિઓમાં લેઉવા પટેલ, કડવા પટેલ, શ્રીગૌડ બ્રાહ્મણ, હિન્દુ ખેડવા બ્રાહ્મણ, બાવીસી ગોમતીવાડ બ્રાહ્મણ, ગિરિનારાયણ બ્રાહ્મણ, દશા પાલીવાલ બ્રાહ્મણ, ઓસવાલ, મહેશ્વરી વાણીયા, મહેશ્વરી, તેમજ હિન્દુ જાટ-ચૌધરી (જે એસઇબીસી / ઓબીસીમાં નહોય તે) જેવી જાતિઓમાં પર્યાયવાચી શબ્દો ઉમેરવામાં આવ્યા છે.
જ્યારે ‘પરિશિષ્ટ-ચ’માં બી બિનઅનામત મુસ્લિમ જાતિઓમાં મુમના, મોમના, હાલા મુસ્લિમ, આગરીયા મુસ્લિમ તેમજ ભાડભુજા, ભઠિયારા (બધા મુસ્લિમ) (જે એસઇબીસી / ઓબીસીમાં નહોય તે) જેવી જાતિઓ પર્યાયવાચી શબ્દો ઉમેરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનુસૂચિતજાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો / અન્ય પછાત વર્ગો સિવાયની કોઇ જાતિ, સમૂહ કે જૂથનો ઉલ્લેખ બીનઅનામત વર્ગની યાદીમાં ન થયો હોય તેવી જાતિના ઉમેદવારો/અરજદારોને પણ સક્ષમ સત્તાધિકારી (Competent authority) દ્વારા બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.