રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 એપ્રિલ 2021 (19:44 IST)

1 મેથી શરૂ થનાર રસીકરણ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવવા પ્રજાને કરી અપીલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 18 થી વધુની વયના યુવાઓ સહિત સૌ કોઈને આગામી 1લી મે પછી તબક્કાવાર શરૂ થનારા કોરોના રસીકરણ અભિયાનમાં અવશ્ય રસીકરણ કરાવી લેવા પ્રજાજોગ અપીલ કરી છે. તેમણે કહ્યું કે જે રીતે ગુજરાત રસીકરણના અગાઉના તબક્કાઓમાં દેશમાં અગ્રેસર રહ્યું છે તેજ રીતે આ રસીકરણ અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ સ્ટેટ્સમાં સ્થાન મેળવવાનો આપણો સંકલ્પ છે.
 
વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્યકર્મચારીઓ,ફ્રંટલાઈન વર્કર તેમજ 45 થી વધુની વયના નાગરિકો મળીને  1 કરોડ 20 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.  આમાં 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે.
 
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે દેશભરમાં હવે 18 થી વધુની વય ના લોકો માટે 1લી મે પછી કોરોના રસીકરણ નો જે તબક્કો શરુ થવાનો છે તેમાં જે લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પર રસી લેવા આવે તેમને વિના મૂલ્યે રસી અપાશે. તેમણે કહ્યું કે 28 એપ્રિલથી આ રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા શરુ થઇ તેમાં પણ રાજ્યના 18 થી વધુ વય ના લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન શરુ કરાવ્યું છે.
 
રાજ્ય સરકારે અગાઉ આ રસીકરણ માટે જે દોઢ કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપેલો તેમાં હવે વધુ 1 કરોડનો વધારો કર્યા છે. આ હેતુસર પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિષિલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદની ભારત બયોટેકની કોવેકસિનના 50 લાખ ડોઝ રાજ્ય સરકાર મેળવશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે  ગુજરાતમાં રસીકરણનો આ કાર્યક્રમ પ્લાનિંગ ઈન ડીટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સ એમ સુઆયોજિત ઢબે કેન્દ્ર સરકાર ના દિશા નિર્દેશનમાં આગળ વધારવામાં આવશે.
 
તેમણે રાજ્યના 18 થી વધુની વય ના સૌ યુવા સાથીઓને અપીલ કરી કે તેઓ ઝડપ થી ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવે અને આગામી 15 દિવસોમાં જ્યારે વેક્સિન ઉપલબ્ધ થાય અને  પોતાનો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇ કોરોના સામે સુરક્ષિત બને.