1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 મે 2021 (18:48 IST)

વિજય રૂપાણીએ કર્યો દાવો, હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી કોઇ દર્દીનું મોત થયું નથી

બનાસકાંઠા જિલ્લાની કોરોના સંક્રમણ સ્થિતિ ના આકલન અને સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાલનપુર કલેકટર કચેરી ખાતે યોજાયેલ સમીક્ષા બેઠક બાદ બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સીવીલ હોસ્પીટલની મુલાકાત લઇ સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતાં.
 
મુખ્યમંત્રીએ સીવીલ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓના સગા-વ્હાલા અને ર્ડાક્ટર, નર્સ તથા મેડીકલ સ્ટાફને મળીને તેમનું મનોબળ વધાર્યું હતું. મુખ્યમંત્રીએ કોરોનાની સારવાર લઇ રહેલા સંક્રમિત વ્યક્તિઓના સ્વજનો પાસેથી વિગતો મેળવી હતી અને રાજ્ય સરકાર દ્વારા અપાતી આરોગ્ય સેવાઓ વિશે પૃચ્છા કરી અને ખબર- અંતર પૂછ્યા હતા.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યુ હતું. બનાસ ડેરી દ્વારા રૂ. ૭૭ લાખના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ આ ઓક્શિજન પ્લાન્ટ માં પ્રતિ કલાકે ૫૦ ક્યુબીક મીટર ઓક્શિજન હવામાંથી બનશે. જેનાથી દર કલાકે ૭ જેટલાં જમ્બો ઓક્શિજન સિલિન્ડર ભરી શકાશે. 
 
આમ ૨૪ કલાકના ૧૬૮ જેટલાં જમ્બો ઓક્શિજન સિલિન્ડર ભરી શકાશે. એટલે કે રોજના ૧૨.૬૦ લાખ લીટર ઓક્શિજનનું ઉત્પાદન આ પ્લાન્ટ ધ્વારા કરીને કોરોના સંક્રમિત દર્દીઓની સારી રીતે સારવાર કરી શકાશે તેમ પાલનપુર સીવીલ સુપ્રિન્ટેન્ડેટ ર્ડા. સુનિલ જોષીએ જણાવ્યું હતું. 
 
પાલનપુર ખાતે બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે,  રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારો માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં કોઈપણ ગામડામાં પોઝિટિવ કેસ આવે તો તેને ફરજિયાત કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવાની રહેશે. આવનારી ત્રીજી વેવમાં ઓક્સિજનની ઘટ ન થયા તેવા પ્રયત્નો છે.
 
હું દાવા સાથે કહીશ કે ગુજરાતની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી કોઈ દર્દીનું મોત થયું નથી. ગુજરાતમાં ઓક્સિજનના અભાવે કોઈનું મોત થવા દીધું નથી. રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપણે પૂરતા આપ્યા છે. બનાસકાંઠામાં 18 હજાર ઈન્જેક્શન આપ્યા છે. તાજેતરમાં વ્યાપકતાને જોઇ રાજ્ય સરકારે 150 નવી એમ્બ્યુલન્સ ખરીદી તેમાંથી બનાસકાંઠામાં પણ 5 એમ્બ્યુલન્સ ફાળવી છે.