સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 મે 2021 (15:54 IST)

ગામમાં ૧૫ દિવસ માટે કડક નાકાબંધી કરો-બિનજરૂરી અવરજવર અટકાવો, આગામી ૧૫ દિવસમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ બનાવીશું : વિજય રૂપાણી

મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસે તંદુરસ્ત આરોગ્યની શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીમાં પોતાની જાતને કોરોનાથી બચાવવી એ સૌથી મોટી રાષ્ટ્ર સેવા છે. વહીવટી તંત્ર સાથે સંકલન કરીને ગામના યુવાનો ગામના ૧૦ સભ્યોની કમિટિ બનાવીને ગામને કોરોના મુક્ત બનાવવાનો સંકલ્પ કરીને કોરોનાના નિયમોનું કડક પાલન કરાવવું પડશે. જે લોકોએ કોરોના SOPનું પાલન કર્યું છે તેવા લોકો સંક્રમણથી બચી શક્યા છે. કોરોના ઘાતક છે પણ સામેથી તે આપણા ઘરે નથી આવતો પણ આપણે તેને લાવીએ છીએ એટલે યોગ્ય કાળજી પોતાને અને પોતાના પરિવારને બચાવી શકશે. 
 
આજે ગુજરાત સ્થાપના દિવસે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ રાજ્યવ્યાપી અભિયાનનો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. 
 
રાજ્યપાલએ કહ્યું હતું કે, સરપંચો, ઉપસરપંચો, ચૂંટાયેલા સભ્યો, કલેક્ટર, DDO, આરોગ્ય અધિકારી સાથે મળીને યોગ્ય સંકલન કરશે તો ગામને કોરોના મુક્ત બનાવવામાં ઝડપી સફળતા મળશે. ગામમાં બહારથી આવતા લોકો અને ગામમાં પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને ગામમાં અલગ આઇસોલેશનમાં રાખીને સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય. 
 
પ્રાથમિક લક્ષણો ધરાવતા લોકોને શરૂઆતમાં યોગ્ય સારવાર મળે તો ૯૦ ટકા લોકોને સાજા કરી શકાય છે. ગામના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધુ હોવાથી તેવો જલદી સાજા થઈ જાય છે. પ્રાથમિક લક્ષણો ધરાવતા લોકોને યોગ, પ્રાણાયમ, આયુર્વેદિક ઉકાળા તેમજ ઘરગથ્થું ઉપચાર કરવાની વાત પણ રાજ્યપાલએ કરી હતી. 
 
ગામના લોકોનું મહત્તમ રસીકરણ, સંક્રમિત લોકો માટે આઇસોલેશનની વ્યવસ્થા અને દવાઓનો ઉપયોગ જ આપણને કોરોનાથી બચાવી શકશે તેમ જણાવતાં રાજ્યપાલએ કહ્યું હતું કે, જિલ્લામાં NSS, NCC, રેડક્રોસ, નહેરૂ યુવા કેન્દ્રના યુવાઓનો પણ આજની સ્થિતિમાં સેવાનો લાભ લેવો જોઇએ જેથી કોરોના વોરિયર્સ ઉપરનું ભારણ ઘટશે અને વધુ સારી વ્યવસ્થા આપી શકાશે. ભરૂચ હોસ્પિટલમાં બનેલી દુ:ખદ ઘટનામાં ભોગ બનેલાના આત્માને ભગવાન શાંતિ આપે અને તેમના પરિવારજનોને ભગવાન દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી સંવેદના પણ રાજ્યપાલએ વ્યક્ત કરી હતી. 
 
મુખ્યમંત્રીએ મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, ગુજરાના સ્થાપના દિવસે ગામના ૧૦ યુવાનો સમિતિ બનાવીને સંકલ્પ કરે કે આગામી ૧૫ દિવસમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ બનાવીશું. ગુજરાતના ગામો કોરોના મુક્ત બને તે હેતુથી ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ૧ મેથી ૧૫ મે સુધી અભિયાન હાથ ધરવામાં આવશે. આ ૧૫ દિવસમાં સૌએ સાથે મળીને ગામને કોરોનાથી મુક્ત બનાવવાનું છે. 
 
તેમણે કહ્યું હતું કે, આરોગ્ય તંત્રની મદદથી દરેક ગામમાં તમામ લોકોની આરોગ્ય ચકાસણી કરી પ્રાથમિક લક્ષણો ધરાવતા લોકોને અલગ કરીએ જેથી તેમનું ટેસ્ટિંગ કરીને કોરોનાનું લક્ષણો હોય તો સારવાર આપી શકાય. આ દર્દીઓ માટે ગામ લોકોના સહયોગથી શાળાઓ અને સમાજવાડીમાં અલગ આઇસોલેશન સેન્ટર વ્યવસ્થા ઉભી કરીએ જેથી પોતાના ઘર અને ગામમાં સંક્રમણ અટકાવી શકાય. આવા સેન્ટરોમાં સ્થાનિક PHC, CHCના તબીબોની મદદથી કોરોનાની પ્રાથમિક સારવાર આપવાની રહેશે. તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો ધરાવતા લોકોને તબીબોની સલાહથી પેરાસિટામોલ, વીટામિન-સી, ઝિંક, ફેબી ફ્લુ જેવી દવા આપવી જેથી શરૂઆત થતા તેને અટકાવી શકાય. 
 
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગામમાં ૧૫ દિવસ માટે કડક નાકાબંધી કરો અને  બિનજરૂરી અવર-જવર અટકાવવી જોઇએ. લોકો માસ્ક, સેનેટાઇઝ અને પૂરતુ અંતર રાખે તેની ઉપર પણ ભાર મૂકવો પડશે. ગામો કોરોના મુક્ત બનશે તો શહેરો ઉપરનું ભારણ ઘટશે. ગુજરાતમાં આજે ૧લી મેથી ૧૮થી વધુ વયના લોકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ થયો છે તેનો મહત્તમ લાભ લેવો જોઇએ. ગામના યુવાનો-આગેવાનો મહત્તમ લોકોનું રસીકરણ થાય તેવી ઝુંબેશ ચલાવે તે સમયની માંગ છે.  
 
તેમણે ભાર પૂર્વક કહ્યું હતું કે, જણાવ્યું રાજ્ય સરકાર થ્રી-T એટલે મહત્તમ ટેસ્ટિંગ, મહત્તમ ટ્રેસિંગ અને મહત્તમ ટ્રીટમેન્ટની વ્યુરચના ઉપર આગળ વધી રહી છે. ગુજરાતમાં ૧ લાખ જેટલા કોવિડ બેડ કાર્યરત છે જ્યારે ૧૧૦૦ ટન ઓક્સિજનનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે લાખો લોકોને બચાવી શક્યા છીએ. ગુજરાતમાં રેમડેસીવિર સહિતની જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે ધન્વંતરી અને સંજીવની રથ દ્વારા ઘરે ઘરે સારવાર આપવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય સહિત લાખો કર્મીઓ દિવસ-રાત એક કરીને કોરોનાને હરાવવા પોતાના જીવના જોખમે સેવા આપી રહ્યા છે તે તમામને આજે ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.