અમદાવાદમાં ‘વિકાસ ગાંડો થયો છે’ પાર્ટ- 2 ઈઝ કમબેક?
ગયા વર્ષે જ આખા અમદાવાદમા ચોમાસા દરમિયાન રસ્તા પર પડેલા ખાડા અંગે વિધાનસભાની ચૂંટણી ટાણે જ સોશિયલ મીડિયા પર લોકોએ વિકાસને ગાંડો કરી મૂકતા સરકાર પણ દોડતી થઈ ગઈ હતી. હવે ચૂંટણી તો પતી ગઈ છે, અને તે ઘટનાને એક વર્ષ પણ થઈ ગયું છે, જોકે અમદાવાદમાં વિકાસ ફરી ગાંડો થઈ રહ્યો છે.ગયા વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં 110 ભૂવા પડ્યા હતા. ભૂવાની સંખ્યા એટલી બધી હતી કે, પબ્લિકને એમ હતું કે હવે તો નવા ભૂવા પડવા લગભગ જગ્યા જ નથી રહી. જોકે, અમદાવાદીઓ ખોટા પડ્યા, અને આ વર્ષે પણ 62 ભૂવા અત્યાર સુધી પડી ચૂક્યા છે અને આટલેથી તે અટક્યા નથી.અમદાવાદમાં 02 સપ્ટેમ્બર સુધી સીઝનનો 47 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ગત વર્ષ કરતા વરસાદ ઓછો છે, પણ રસ્તામાં ખાડા પડવા અને ખાસ તો ભૂવા પડવાને જાણે વરસાદ ઓછો હોય કે વધારે, તેની સાથે કશોય સંબંધ નથી. હજુ તો ચોમાસું પૂરું નથી થયું ત્યારે ભૂવા પડવાનો ગયા વર્ષનો આંકડો આ વખતે તેનાથી પણ વધી જાય તો નવાઈ નહીં.2017માં ચોમાસા દરમિયાન અમદાવાદમાં વરસાદમાં ધોવાઈ ગયેલા રસ્તા સરકાર માટે માથાનો દુખાવો બની ગયા હતા. ગુજરાત હાઈકોર્ટે પણ તંત્રની આ મામલે આકરી ઝાટકણી કાઢી હતી. જોકે, આ વર્ષે પણ સ્થિતિમાં ખાસ ફરક નથી પડ્યો. જે રસ્તાઓને ગયા વર્ષે જ રિસરફેસ કરાયા હતા, તેમનો મેક-અપ આ વખતે પણ વરસાદે ધોઈ નાખ્યો છે.