બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 મે 2019 (13:18 IST)

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી ચાર દિવસ વાવાઝોડા-કમોસમી વરસાદની શક્યતા

દક્ષિણ રાજસ્થાન અને તેની પાસેના ઉત્તર ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી ચાર દિવસ વાવાઝોડા સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં આવી રહેલા પલટાને પગલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં સરેરાશ મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'દક્ષિણ રાજસ્થાન અને તેની પાસેના ઉત્તર ગુજરાતમાં ૨.૧ કિલોમીટરથી ૩.૧ કિલોમીટરની સમુદ્રી ઊંચાઇએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે સૌરાષ્ટ્રના રાજકોટ-પોરબંદર-અમરેલી, કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-પાટણ, સાબરકાંઠામાં આગામી ચાર દિવસ વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ૩ દિવસ દરમિયાન ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેની પણ શક્યતા છે. ૧૩ મેથી વાતાવરણ પૂર્વવત્ થઇ શકે છે.' 
અમદાવાદમાં ૩૯.૮ ડિગ્રી સાથે સરેરાશ મહતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૬ ડિગ્રીનો ઘટાડો જ્યારે ૨૫.૬ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૦.૭ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં આગામી ચાર દિવસ ૪૦થી ૪૧ ડિગ્રીની આસપાસ ગરમીનો પારો રહેશે. હાલની સ્થિતિ જોતાં અમદાવાદમાં આગામી એક સપ્તાહ કાળઝાળ ગરમી પડે તેની સંભાવના નહિવત્ છે. અમદાવાદમાં મે મહિનામાં ઝાપટાં પડયા હોય તેવું છેલ્લા ૧૦ વર્ષમાં ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૭ એમ ત્રણ વખત બન્યું છે. ૯ મે ૧૯૮૨ના એટલે કે બરાબર ૩૭ વર્ષ અગાઉ એક જ દિવસમાં અમદાવાદમાં ૫.૪૪ ઈંચ વરસાદ પડયો હતો.