ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 30 ઑગસ્ટ 2020 (10:09 IST)

Weather Update - આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

ગુજરાતભરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ પર વેલ માર્ક લો પ્રેશર સક્રિય હોવાને કારણે અમદાવાદમાં ઝરમર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અરવલ્લી, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, સાબરકાંઠા, સુરતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  હાલ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદ જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ ખાબક્યો. કચ્છના અબડાસામાં સૌથી વધારે 8 ઈંચ તો મુંદ્રામાં 7.5 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
 
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 217 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં નોંધાયો હતો. અબડાસામાં આઠ ઈંચ કરતા વધુ અને મુન્દ્રામાં પોણા આઠ ઈંચ વરસાદ થયો છે. સુરતના કામરેજમાં 5 ઈંચ, નવસારીના ગણવેદી અને સુરતના પલસાણામાં પણ પાંચ-પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 16 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ તો 38 તાલુકામાં 3 ઈંચ અને 50 તાલુકામાં 2 ઈંચ તથા 94 તાલુકામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.
 
જૂનાગઢના વિસાવદરમાં ભારે વરસાદ કારણે ઝાંઝેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેને કારણે ઈશ્વરિયા ગામે બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. તો સાબરકાંઠાના હરણાવ ડેમમાં પાણીની આવક થતાં હરણાવ ડેમના 3 દરવાજા ખોલાયા છે. અને લેવલ જાળવવા 2500 ક્યુસેક પાણી છોડાયું છે. પાણી છોડાતા વિજયનગર, ખેડબ્રહ્માના ગામડાઓમાં એલર્ટ જાહેર કરાયું છે.
 
રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આજે સુરત, નવસારીમાં આતિભારે વરસાદની આગાહી તો આણંદ, ભરૂચ, વડોદરા, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા.