ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 નવેમ્બર 2021 (11:12 IST)

ફુલ ગુલાબી ઠંડીનો વર્તારો

આગામી 24 કલાકમાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ, ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર, અમદાવાદમાં સતત બીજા દિવસે ઠંડીનો ચમકારો
ઉત્તર ભાગમાં હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે જેની અસર ગુજરાતમાં થઈ રહી છે
અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી જેટલો ગગડયો
 
દેશના ઉત્તર ભાગમાં કેટલાક દિવસથી હિમવર્ષા થઈ રહી છે. તેની અસર હેઠળ દેશના તમામ ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસોથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગરમાં બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. સોમવારે સિઝનમાં પ્રથમ વખત અમદાવાદનું લધુત્તમ તાપમાન ઘટીને 14.6 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે 14 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. 
 
લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો
આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો છે. પરંતુ હવે શિયાળા આવનારા સમયમાં પરચા બતાવો અને જબરદસ્ત ઠંડી પડે તેવી શક્યતાઓ છે. છેલ્લા બે દિવસથી સતત પારો ગગડી રહ્યો છે. જેના કારણે ઠંડી વધી રહી છે. પવનની સરેરાશ ઝડપ પણ 6થી 8 કિ.મી. પ્રતિ કલાક રહેતાં પરોઢે અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અહેસાસ થાય છે. ગુજરાતમાં મોટાભાગના શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જેમાં ગાંધીનગર, કેશોદમાં 14 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ગત રાત્રિએ અમદાવાદમાં 14.6  ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 
 
આગામી 3 દિવસ 16થી 18 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી 3 દિવસ 16થી 18 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેશે.અમદાવાદમાં ગત વર્ષે 24 નવેમ્બરે 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગત વર્ષે નવેમ્બરમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન હતું. સોમવારે રાજ્યમાં અમરેલી-જુનાગઢમાં 14.8, નલિયામાં 15.6, વડોદરામાં 16, રાજકોટમાં 17.3, ભાવનગરમાં 17.5, ડીસામાં 17.6, ભૂજમાં 20.6, સુરતમાં 19.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. 
 
રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો 
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી જેટલો ગગડયો છે. શહેરમાં ગત 27મી ઓક્ટોબરના રોજ લઘુત્તમ તાપમાન 21.3 ડિગ્રી નોંધાયુ હતુ જે આજે ઘટીને 14.6 ડિગ્રી થઈ ગયું છે. આમ રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાનની સરખાણીએ 50 ટકા કરતાં પણ ઓછુ થઈ ગયું છે. જેથી અચાનક રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે.