શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 જૂન 2021 (13:55 IST)

સરકારે 20 વર્ષમાં ફાયર NOC અને BU માટે શું કર્યું? કોઇ PIL ન કરે ત્યાં સુધી કંઈ નહીં કરવાનું?

ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે તીખી ટકોર કરી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં કહી દીધું હતું કે BU પરમિશમ વગરની તમામ જગ્યાએ કાર્યવાહી કરો, કોઈ અણબનાવ બને એની રાહ જોવાની છે? માત્ર ફાયર NOC પર નહીં, BU પરમિશન પર પણ ભાર મૂકો.હાઇકોર્ટે વધુમાં કહ્યું, તમે કહો છો કે અમે ધ્યાનમાં લીધું છે, છેલ્લાં 20 વર્ષથી શું કર્યું એ કહો ને? અમે કહીએ એટલે જ કાર્યવાહી કરવાની કે કોઇ PIL ન કરે ત્યાં સુધી કંઈ નહીં કરવાનું? તમારે આ બાબતે નાગરિકોની ભૂલ હોય તો તેમના પર પણ કાર્યવાહી કરો. સ્કૂલ ખૂલતાં પહેલાં એની ફાયર NOCની તપાસ કરો અને BU પરમિશન પણ છે કે નહીં એ તપાસો. તમામ હોસ્પિટલમાં ફાયર NOC ફરજિયાત જોઈએ.

હાઇકોર્ટે વધુમાં કહ્યું, હોસ્પિટલને કહો કે હોસ્પિટલની બહાર એક બોર્ડ લગાવે કે અમારી જોડે ફાયર NOC નથી પછી જોવો કોણ એડમિટ થાય છે? આ બધી બાબત તમને સજેસ્ટ કરવા માટે અમારે કહેવું પડે તમારી જોડે સારા ઓફિસર છે તેમની સલાહ લો અને આ બધી વ્યવસ્થા કરાવો.હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢતા કહ્યું, માત્ર ખાનગી રહેણાંક, ઉદ્યોગ ગૃહો અને કોમર્શિયલ બિલ્ડીંગની વિગતો પૂરતી નહીં હોય. સરકારી ઇમારતો અને સરકારી શાળાઓની ફાયર સેફ્ટી અંગેની વિગતો પણ કોર્પોરેશને રજૂ કરવી પડશે. હાઈકોર્ટ તમે જ કહો છો કે તમામ બિલ્ડિંગને લગતી વિગતો ઘણા બધા સેંકડો પાનાઓમાં હશે. એનો મતલબ એ છે કે તમારા અધિકારીઓએ કોર્ટના અગાઉના આદેશોનું પાલન કરવાની તસ્દી લીધી નથી. ગેરકાયદે વપરાશ કર્તાઓ પાસે ટેક્સ ઉઘરાવો છો તો શું તમને ખબર નથી કે બિલ્ડિંગ અસ્તિત્વમાં છે અને તેની જોડે બિલ્ડીંગ વપરાશની પરમીશન નથી?એડવોકેટ અમિત પંચાલે કહ્યું કે, 20 વર્ષ પહેલાના હાઇકોર્ટના ઑર્ડરમાં આ જ બાબત છે, જે આજે ચર્ચાઈ રહી છે. ફાયર NOC અને BU પરમીશન માટે કંઈ કામ કરાયું નથી. બિલ્ડીંગના માલિકોને બધી બાબતો ખબર નથી હોતી. તેના માટે કોર્પોરેશન અને સરકારે એક ગાઈડલાઇન બહાર પાડવી જોઇએ. તો તેમને ખબર પડે કે BU અને NOC માટે કયા ક્રાઇટેરિયા જોઈએ. ફાયર NOC વગર હોસ્પિટલ ચાલુ છે. અત્યાર સુધી આવી જ હોસ્પિટલમાં બનાવ બન્યા અને લોકોના જીવ ગયા છે. તો હજી પણ આ હોસ્પિટલ ચાલે છે કેટલું યોગ્ય છે. મારી એક જ રજૂઆત છે આ ગંભીર બાબત છે આનું કોઈ ચોક્કસ કોઈ સોલ્યુશન આવે.