ગાંધીનગરનો સાઈકોકિલર પકડાયો:બાળકીની લાશનાં ભયાનક દ્રશ્ય જોઈને પોલીસની પણ આંખો છલકાઈ
ગાંધીનગરમાં ચકચાર મચાવનાર કલોલના ખાત્રજ વિસ્તારમાં છ વર્ષની બાળકીના અપહરણ-દુષ્કર્મ પછી બેસતા વર્ષના દિવસે પણ ત્રણ વર્ષની બાળકીનું પણ અપહરણ કરી હત્યા કર્યા પછી દુષ્કર્મનાં જધન્ય અપરાધને અંજામ આપનાર સાઈકો કિલર પકડાઈ ચૂક્યો છે. પરંતુ હજી પણ આ ગુનાનો ભેદ ઉકેલનાર લોકલ ક્રાઇમ બ્રાંચ 1 અને 2 તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ સહિતનો સ્ટાફ આ ઘટનાને યાદ કરીને હચમચી જાય છે. એમાંય ત્રણ વર્ષની બાળકીની લાશ અવાવરુ જગ્યાએથી મળી આવી ત્યારે એ દ્રશ્ય જોઈ સૌ અધિકારીઓની આંખો ભીની થઈ ગઈ હતી.
પોલીસ અધિકારીઓને પણ એટલો આઘાત લાગ્યો હતો કે કોઈ એકબીજા સાથે વાત પણ કરી શક્યા નહોતા.ગાંધીનગર કલોલનાં સાંતેજ પોલીસ મથકની હદમાં તબક્કાવાર ગંભીર ગુનાઓ બનતા સ્થાનિક પોલીસની સાથે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાનું મહત્ત્વનું અંગ ગણાતી લોકલ ક્રાઇમ બ્રાંચ 1 અને 2 તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એમ ત્રણ એજન્સીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુનાને અંજામ આપનાર સાઈકોકિલર વિજયજી પોપટજી ઠાકોરને ટેકનિકલ સર્વેલન્સ થકી ઝડપી લીધો હતો.આ ગુન્હાની ઘટના દિવાળી એટલે કે ચોથી નવેમ્બરના રોજ પ્રકાશમાં આવી હતી. સ્વાભાવિક છે કે દિવાળીના તહેવાર નિમિત્તે પોલીસ અધિકારીઓ પણ પરિવાર સાથે ઘરે હાજર હતા. લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ.પી.ઝાલા, જે.એચ.સિંધવ અને એસઓજી પીઆઈ સચિન પવાર સહિતનો સ્ટાફ ઘરે હતો. એટલામાં જ સાંતેજ પોલીસ મથકની હદમાં છ વર્ષની બાળકીનું અપહરણ-દુષ્કર્મ થયાના મેસેજ સાંજના સમયે ત્રણેય એજન્સીનાં અધિકારીઓ સુધી પહોંચ્યા હતા. ત્યારે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવાનું આયોજન પડતું મુકી બનાવની ગંભીરતા સમજી ગયેલાં ત્રણેય અધિકારીઓ પોતાના કાફલા સાથે ઘટનાસ્થળે તાબડતોબ પહોંચ્યા હતા.પોર્ન ફિલ્મ જોવાનો એડિક્ટ વિજય ઠાકોર દેશી દારૂ પીવાનો પણ બંધાણી છે. જેની પત્નીને આઠ માસનો ગર્ભ છે અને એક છ વર્ષની દીકરી પણ છે. બે બાળકીઓ સાથે હેવાનિયત કરી ચૂકેલા વિજય ઠાકોર સામે સૌ કોઈ ફિટકારની લાગણી વરસાવી રહ્યું છે અને તેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી તાકીદે કાયદાની જોગવાઈ મુજબ સજા કરવામાં આવે તેવી પણ માંગ લોકોમાં ઉઠવા પામી હતી.