ગુજરાતમાં મહિલાઓ નાઇટ શિફ્ટમાં કરી શકશે કામ, 34 ફેકટરીઓમાં નાઈટ શિફટને મળી મંજૂરી
રોજગારીની તકોને વેગ આપવા માટેના પ્રયાસ તરીકે, રાજયના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કામ કરતી ડિરેકટર, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) દ્વારા 34 ફેકટરીઓને નાઈટ શિફટ માટે મંજૂરી આપવામાં આવી છે.
આ મંજૂરી ફેકટરીઓના કાયદાની કલમ 66(1) બી ની જોગવાઈઓ મુજબ આપવામાં આવી છે. આ કલમ હેઠળ અગાઉ રાત્રે 7.00 કલાકથી સવારે 6-00 સુધી મહિલાઓને કામે રાખવા ઉપર પ્રતિબંધ હતો. પરંતુ, ગુજરાત હાઈકોર્ટે આ જોગવાઈ નાબૂદ કરી છે અને તેના પરિણામે ગુજરાત સરકારે કાયદામાં સુધારો કર્યો છે. આથી મહિલાઓ માટે નાઈટ શિફ્ટમાં કામ કરવા માટેનો માર્ગ મોકળો થયો છે.
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવે છે કે “ આ ફેકટરીઓને નાઈટ શિફટ માટે મંજૂરી આપવાને કારણે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. આને કારણે વધુ મહિલાઓ નાણાંકીય રીતે સ્વતંત્ર બની છે અને શક્તિમાન બની છે કારણકે આ નાઈટ શિફટસમાં મોટા ભાગે મહિલાઓ કામ કરી રહી છે. ”
ડિરેકટર, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) ના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે 34 કંપનીઓને નાઈટ શિફટની મંજૂરી આપવામાં આવી છે તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સુઝુકી મોટર્સ, હિન્દુસ્તાન કોકા કોલા, હીરો મોટો કોર્પ, બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ, સિયેટ, વેલસ્પન ઈન્ડીયા, શીન્ડર ઇલેક્ટ્રિક, ગુજરાત અંબુજા, ચિરીપાલ ઈન્ડસ્ટ્રીઝ, બાલાજી વેફર્સ, મધરસન સુની, યુનિકેમ ઈન્ડીયા, માર્કસન ફાર્મા અને ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.
ફેકટરીઓને નાઈટ શિફટ માટે મંજૂરી આપતાં પહેલાં વિસ્તૃત પ્રક્રિયા અનુસરવાની રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “ રાજ્ય સરકાર માટે કામદારોની સલામતી ખૂબ જ મહત્વની છે. ડિરેકટર, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) અને શ્રમ અને રોજગાર વિભાગ નાઈટ શિફટની મંજૂરી આપતાં પહેલાં સલામતિનાં પગલાં, કામદારોનાં વેતન, લાવવા -લઈ જવાની વ્યવસ્થા તથા અન્ય સંબંધિત પાસાંની ચકાસણી કરે છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે સંબંધિત કાયદાઓનુ પાલન થાય છે કે નહી તે ચકાસવા ડિરેકટર, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) સમયાંતરે નિયમિતપણે ફેકટરીની તપાસ કરે છે.