શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 મે 2023 (15:53 IST)

અમદાવાદના સેટેલાઈટમાં દોઢ વર્ષ પહેલા કામ કરતો ઘરઘાટી 14 લાખ ભરેલી તિજોરી લઈ ફરાર

ઘરના પાછળના દરવાજેથી ઘૂસીને ચાર જણા આખી તિજોરી લઈને ફરાર થઈ ગયા
સીસીટીવીમાં આરોપીઓ કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
 
અમદાવાદઃ અમદાવાદમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યાં છે. ઘરઘાટી તરીકે રાખેલા લોકો જ મોકો જોઈને ઘરમાંથી ચોરી કરતાં હોવાની ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક મકાનમાં દોઢ વર્ષ પહેલાં ઘરઘાટી તરીકે કામ કરતાં વ્યક્તિએ 14 લાખ રૂપિયાની ચોરી કરતાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા પરેશાબેન શાહ નામના વૃદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 30મી એપ્રિલે તેઓ તેમના ઘરમાં કામ કરતાં શીવાભાઈ, મોહનભાઈ, નરેશભાઈ તથા તેમના પત્ની મારા ઘરે સર્વન્ટ રૂમમાં હાજર હતાં. મારો દીકરો મીત તેના પરિવાર સાથે ઉત્તરાખંડ ફરવા ગયો હતો. તેની નાની દીકરીની તબિયત બગડતાં તે વિમાન મારફતે અમદાવાદ રવાના થયો હતો. મારા ઘરમા હાજર ઘરઘાટી જ્યારે ઉપરના રૂમમાં સફાઈ કરવા માટે ગયા હતાં ત્યારે ઉપરના રૂમના દરવાજા ખુલ્લા હતાં અને રૂમમાં રાખેલી તિજોરી ગાયબ હતી.
 
આ દરમિયાન તેમના દીકરાએ અમદાવાદ આવીને સીસીટીવી કેમેરામાં જોતાં ઘરમાં ઘૂસેલ માણસ દોઢેક વર્ષ પહેલાં મારા ઘરે કામ કરતો ઘરઘાટી કિશન દેવડા જેવી હીલચાલ ધરાવતો હતો. તેમજ તેની સાથે અન્ય ત્રણ ઈસમો પાછળના દરવાજેથી ઘૂસીને મારા ઉપરોક્ત ઘરના રાખેલી તિજોરીમાં 14 લાખ રૂપિયા રોકડા, બેંક ઈન્ડિયાના પાંચ ચેક, અન્ય બેંકના ચાર ચેક, તથા ઓફિસના હિસાબ કિતાબની પેન ડ્રાઈવ રાખેલ હતી. આ તિજોરી તેઓ ઉપાડીને લઈ ગયાં છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.